વુહાનઃ ઘાતક કોરોના વાયરસના કારણે એક તરફ ચીનમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે તો ચીનમાં 100 વર્ષના એક વૃદ્ધે આને મ્હાત આપી છે અને તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોનાથી સંક્રમિત 100 વર્ષના એક વ્યક્તિ સાજા થઈ ગયા છે. આ વ્યક્તિને શનિવારના રોજ વુહાનની એક હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ મળી આવ્યા હતા.
તેમને ફેબ્રુઆરીના રોજ હુબેઈની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લૂ જેવી શ્વાસની બિમારી સિવાય આ વડીલને અલ્ઝાઈમર, હાઈ બ્લડપ્રેશર અને હ્યદયની બીમારીઓ પણ છે. તેમને 13 દિવસની તપાસ અને ટ્રીટમેન્ટ બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે.
આ દરમિયાન તેમને એન્ટી-વાયરલ દવાઓ સિવાય તેમને પરંપરાગત સારવાર આપવામાં આવી. ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા 80,000 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં આ વાયરસના કારણે આશરે 3000 થી વધારે લોકોના મોત થયા છે.