ઉત્તર પ્રદેશના લખનઉથી સાઉદી અરેબિયાના દમ્મામ શહેર તરફ જઈ રહેલી ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં અચાનક બોમ્બ હોવાની ધમકી મળતાં વિમાનનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે પ:૫૫ વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનના શૌચાલય અથવા સીટ પરથી ક્રૂ મેમ્બરને ટિશ્યુ પેપર પર અંગ્રેજીમાં ‘BOMB’ લખેલો શંકાસ્પદ મેસેજ મળી આવ્યો હતો, જેનાથી ફ્લાઈટ સ્ટાફમાં ફાળપો પડી ગયો હતો.

૧૩૩ મુસાફરોનો આબાદ બચાવ, હાઈ-એલર્ટ જાહેર
ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત ૧૩૩ લોકો (૧૨૦થી વધુ મુસાફરો) સવાર હતા. ટિશ્યુ પેપર પર બોમ્બ અંગેનો સંદેશ જોતાં જ ક્રૂ સ્ટાફે તુરંત પાયલટને જાણ કરી હતી. પાયલટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને નજીકના અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર (ATC)નો સંપર્ક કરીને ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી.વિમાન એરપોર્ટ પર ઉતરતાં જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢીને આઈસોલેશન બેયમાં ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરોના હેન્ડરાઈટિંગ સેમ્પલથી તપાસ
સુરેક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિમાન, મુસાફરો અને તેમના સામાનનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ શરારત કે ધમકી પાછળ કયો મુસાફર જવાબદાર છે તે શોધવા માટે સુરક્ષા એજન્સીઓએ એક અનોખો કાનૂની રસ્તો અપનાવ્યો છે. તમામ મુસાફરો પાસેથી ટિશ્યુ પેપર પર લખાણ લખાવીને તેમના ‘હેન્ડરાઈટિંગ સેમ્પલ’ લેવામાં આવી રહ્યા છે, જેથી શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી શકાય.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દમ્મામથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં પણ આ જ પ્રકારે ટિશ્યુ પેપર પર ધમકીભર્યો પત્ર મળતાં અમદાવાદમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.




