ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ અને સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે 29-31મી ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “ROBOFEST-GUJARAT 3.0” એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશનની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાન્ડ ફિનાલેમાં કુલ 67 ટીમો, 330 વિદ્યાર્થીઓ, 50 થી વધુ માર્ગદર્શકોએ ભાગ લીધો હતો. તે સાત અલગ અલગ કેટેગરીમાં કાર્યરત રોબોટ્સના પ્રોટોટાઈપનું પ્રદર્શન હતું. આ સ્પર્ધામાં કુલ ઈનામની રકમ રૂ. 5.00 કરોડ રાખવામાં આવી હતી. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય દેશના વિદ્યાર્થીઓમાં રોબોટિક્સની સંસ્કૃતિ કેળવવાનો છે.
રોબોટ્સના સફળ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા
ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશનના ત્રણ દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝાના વેલેડિક્ટરી પ્રોગ્રામ દરમિયાન ગ્રાન્ડ ફિનાલેના તમામ સહભાગીઓ સાથે ટેકનિકલ એડવાઇઝરી કમિટીના સભ્યો સાથે ઇન્ટરેક્ટિવ સત્ર હતું. આ સમિતિનું નેતૃત્વ ડો. દેબનિક રોય, વૈજ્ઞાનિક, રિમોટ હેન્ડલિંગ એન્ડ રોબોટિક્સ વિભાગ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતુ. તેઓએ તમામ સહભાગીઓને વધુ મજબૂત પ્રોટોટાઈપ તૈયાર કરવા અને તેમના નવીન વિચારને સ્ટાર્ટ-અપમાં રૂપાંતરિત કરવાની સલાહ પણ આપી. TAC સભ્યોએ પણ તમામ ટીમોને તેમના રોબોટ્સના સફળ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોફેસ્ટ-ગુજરાત 3.0 પ્રોગ્રામ દ્વારા તેમના વિચારો અને નવીનતાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીની પહેલ છે.
રોબો મેકિંગ સ્પર્ધા “ROBOFEST-GUJARAT 3.0” નું આયોજન એ વિદ્યાર્થીઓમાં STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની એક અસરકારક પહેલ છે. આ વર્ષે દેશભરમાંથી કુલ 629 નોંધણીઓ મળી હતી, તેમાંથી 151 ટીમોને લેવલ 1 સ્પર્ધાના વિજેતા તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. 151 પ્રોજેક્ટમાંથી રોબોટ બનાવવાની સ્પર્ધાની તમામ 7 કેટેગરીમાંથી 67 “પ્રૂફ ઓફ કોન્સેપ્ટ” લેવલ-3 પ્રોટોટાઈપ સ્ટેજ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ કરાયેલી ટીમોમાંથી 59 ટીમો ગુજરાતની વિવિધ સંસ્થાઓની છે, 8 ટીમો દેશના અન્ય રાજ્યોમાંથી અને IIT મદ્રાસ, IIT કાનપુર, NIT તિરુચિરાપલ્લી, IIT ધનબાદ, IIT બોમ્બે સહિતની અગ્રણી વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી છે.
ગ્રાન્ડ ફિનાલેમાં પ્રોટોટાઇપ રોબોટ્સનું જીવંત પ્રદર્શન હતું જ્યાં મુલાકાતીઓએ રોબોટ્સને ટ્રેક પર દોડતા, પોતાની જાતને સંતુલિત કરતા, હવામાં ફરતા, બોલ ઉપાડતા, પુસ્તકોને સૉર્ટ કરતા અને વિવિધ કાર્યો કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીમાં અને તેની આસપાસ આયોજિત કરવામાં આવ્યો હતો. દરેક કેટેગરીમાં ટોચના ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પ્રથમ પુરસ્કાર રૂ. 10 લાખ, બીજુ રૂ. 7.5 લાખનું અને ત્રીજું ઇનામ રૂ. 5.00 લાખ આપવામાં આવ્યુ હતુ . આ ઉપરાંત આશ્વાસન ઈનામની રકમ રૂ. 2.50 લાખ રાખવામાં આવી હતી.