ભારત સરકારે ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરી

ભારત સરકારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બેલ્જિયમ ફેડરલ પબ્લિક સર્વિસે સોમવારે આ માહિતી આપી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ભારતમાં હજારો કરોડ રૂપિયાના પીએનબી બેંક કૌભાંડનો મુખ્ય આરોપી છે અને લાંબા સમયથી ફરાર હતો. તેની ધરપકડને ભારતના પ્રત્યાર્પણ પ્રયાસો માટે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. વિભાગે જણાવ્યું હતું કે બેલ્જિયમના અધિકારીઓ ચોક્સી સામે વધુ કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમને કાનૂની સલાહ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેહુલ ચોક્સીની 12 એપ્રિલ, 2025 ના રોજ શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને આગળની ન્યાયિક પ્રક્રિયા સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેમને તેમના વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેલ્જિયમની ફેડરલ પબ્લિક સર્વિસ ઓફ જસ્ટિસ પુષ્ટિ કરે છે કે ભારત સરકારે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી મોકલી છે.

ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો હતો

સોમવારે અગાઉ, ચોક્સીના વકીલે પુષ્ટિ આપી હતી કે પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ સાથે જોડાયેલા ભાગેડુ હીરા વેપારીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડમાં સારવારના બહાને ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.