નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે ઘણા લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ યુદ્ધનો પ્રારંભ 2023માં હમાસ તરફથી ઇઝરાયેલ પર થયેલા હુમલાથી થયો હતો. આ યુદ્ધમાં લાખો લોકોનાં મોત થયાં છે. હવે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી હેઠળ ઇઝરાયેલના બંધકોને છોડવામાં આવશે. ભારતે યુદ્ધ વિરામ માટે ખુશી જાહેર કરતાં આ સમજૂતીનું સ્વાગત કર્યું હતું.
ગાઝામાં છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે તબક્કાવાર કરાર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ કરારનો ઉપયોગ અબ્રાહમ કરારને વિસ્તૃત કરવા માટે કહેશે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અમેરિકા સમર્થિત આ કરારને કારણે ઘણા આરબ દેશો સાથે ઇઝરાયલના સંબંધો સામાન્ય થયા હતા. કતારના વડા પ્રધાને કહ્યું છે કે આ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થતાં જ ગાઝાના લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા અને ઉજવણી કરી હતી.
આ કરારની વિગતો હજુ સુધી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં છ અઠવાડિયાનો પ્રારંભિક યુદ્ધવિરામ સામેલ હશે, જેમાં ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી દળોનું ધીમે-ધીમે પરત જવાનું પણ સામેલ છે. હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને ઇઝરાયલની કેદમાં રહેલા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.