ઓલિમ્પિક માટે ભારત તૈયાર… હોકી ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ બુધવારે આગામી મહિનાના પેરિસ ઓલિમ્પિક્સ માટે 16-સભ્યની ટીમની જાહેરાત કરી. હરમનપ્રીત સિંહને કેપ્ટન અને હાર્દિક સિંહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે, આ સિવાય અગાઉના તબક્કામાં ભાગ લઈ ચૂકેલા કેટલાક સિનિયર ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની સાથે પૂલ બીમાં રાખવામાં આવી છે. પૂલ પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.

 

ભારતીય ખેલાડીઓ હાલમાં બેંગલુરુમાં SAI સેન્ટર ખાતે રાષ્ટ્રીય શિબિરમાં ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મિડફિલ્ડર મનપ્રીત સિંહ ચોથી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે, જ્યારે કેપ્ટન હરમનપ્રીત માટે આ ત્રીજી ઓલિમ્પિક હશે. 5 ખેલાડીઓ ભારત માટે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે જેમાં જરમનપ્રીત સિંહ, સંજય, રાજ કુમાર પાલ, અભિષેક અને સુખજીત સિંહનો સમાવેશ થાય છે.

ટોક્યોમાં 41 વર્ષના લાંબા ગાળા બાદ મેડલ જીતવા માટેના ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ડિફેન્ડર રુપિન્દરપાલ સિંહ અને બિરેન્દ્ર લાકરા નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે સુરેન્દર કુમાર ટીમની બહાર છે. ટોક્યોમાં મુખ્ય ટીમનો ભાગ રહેલા નીલકાંત શર્માને વૈકલ્પિક ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે અને દિલપ્રીત સિંહને તક મળી નથી.

ગોલકીપર કૃષ્ણા પાઠક સતત બીજી ઓલિમ્પિક માટે વૈકલ્પિક ખેલાડી હશે. સંરક્ષણમાં હરમનપ્રીત સિંહ, જર્મનપ્રીત, અમિત રોહિદાસ, સુમિત અને સંજયનો સમાવેશ થાય છે, જ્યારે મિડફિલ્ડમાં રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદનો સમાવેશ થાય છે.

ફોરવર્ડ્સમાં અભિષેક, સુખજીત, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુરજંત સિંહનો સમાવેશ થાય છે. પાઠક અને નીલકાંત સિવાય ડિફેન્ડર જુગરાજ સિંહ ભારતનો ત્રીજો વૈકલ્પિક ખેલાડી છે. મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, ‘અમારા ખેલાડીઓમાં રહેલી પ્રતિભાના ઊંડાણને કારણે પેરિસ ઓલિમ્પિક ટીમ માટે પસંદગી પ્રક્રિયા ખૂબ જ સ્પર્ધાત્મક હતી. જોકે, મને વિશ્વાસ છે કે પસંદ કરાયેલ દરેક ખેલાડી પેરિસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.