‘સિક્યોરિટી લેપ્સ’ પર ભારત કડક, ભારતે શનિવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું

વિદેશ મંત્રાલયે ભારતના રાજદ્વારી મિશન અને વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષાની ખામીઓ અંગે કેનેડાને સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતે શનિવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને ઉગ્રવાદી તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો હતો. વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત સરકારે ખુલાસો માંગ્યો છે કે પોલીસની હાજરીમાં અમારા રાજદ્વારી મિશન અને વાણિજ્ય દૂતાવાસની સુરક્ષાને કેવી રીતે ભંગ કરવાની મંજૂરી આપવામાં આવી.

 

ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને વિયેના કન્વેન્શનની યાદ અપાવી અને ભારતના દૂતાવાસ અને મિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ સાથે આ કેસમાં ઓળખાયેલા લોકોની ધરપકડ કરવાની માંગ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેનેડા સરકાર અમારા રાજદ્વારીઓની સલામતી અને અમારા રાજદ્વારી પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે જેથી તેઓ તેમના સામાન્ય રાજદ્વારી કાર્યો કરી શકે.”

અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહીથી ખાલિસ્તાની ગુસ્સે ભરાયા

પંજાબમાં વારિસ પંજાબ દેના ચીફ અને ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલ સિંહ સામે કરાયેલી કાર્યવાહીથી વિદેશમાં તેના સમર્થકોમાં હોબાળો મચી ગયો છે. ત્યારથી, ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટન અને અમેરિકામાં ભારતીય મિશન પર હુમલા કર્યા છે. ભારતે આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

અમૃતપાલ હજુ ફરાર છે

18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન અમૃતપાલ ફરાર થઈ ગયો હતો. ત્યારથી પંજાબ પોલીસે અમૃતપાલની શોધમાં ઝુંબેશ શરૂ કરી છે. અમૃતપાલને પકડવા માટે 8 રાજ્યોમાં સર્ચ ચાલુ છે. તેની મદદ કરવા બદલ અત્યાર સુધીમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.