લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 19 July (રવિવાર) ના રોજ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વનડે સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રમાવાનો છે. હાલમાં આ ત્રણ મેચોની વનડે સિરીઝ 1-1 ની બરાબરી પર છે. આથી જે પણ ટીમ રવિવારનો આ મહામુકાબલો જીતશે, તે આ પ્રતિષ્ઠિત સિરીઝ પોતાના નામે કરી લેશે. આ રોમાંચક મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. પરંતુ આ ફાઈનલ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

વોશિંગ્ટન સુંદર ઇજાના કારણે બહાર

મેચ પહેલા ભારતીય ટીમને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, જે ઇજાના કારણે આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે સત્તાવાર જાહેરાત કરીને વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટ તરીકે હર્ષ દુબે (Harsh Dubey) ના નામની પુષ્ટિ કરી છે.

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન સુંદરને જમણી હેમસ્ટ્રિંગમાં (Hamstring Injury) ગંભીર ઇજા થઈ હતી. મેડિકલ તપાસ બાદ તેને સિરીઝની અંતિમ મેચ માટે અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સુંદર હવે સ્કેન પ્રક્રિયામાંથી પસાર થશે અને આગળની સારવાર માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ લેશે. હાલમાં તેની રિકવરીને લઈને કોઈ ચોક્કસ સમયસીમા જાહેર કરવામાં આવી નથી.

હર્ષ દુબે પર પસંદગીકારોએ જતાવ્યો ભરોસો

વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ થયેલો હર્ષ દુબે એક ડાબોડી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, જેને કારણે તેને ફરી એકવાર નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. હર્ષ દુબેએ ગયા મહિને જ અફઘાનિસ્તાન સામે પોતાનો વનડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. તેણે અત્યાર સુધી રમેલી 2 વનડે મેચોમાં 7.08 ના ઇકોનોમી રેટથી 4 વિકેટો ઝડપી છે.

વોશિંગ્ટન સુંદર પાવરપ્લે અને મિડલ ઓવરોમાં કરકસરયુક્ત બોલિંગ કરવાની સાથે મિડલ ઓર્ડરમાં ઉપયોગી બેટિંગ કરીને ટીમને અદભુત સંતુલન આપતો હતો. આ નિર્ણાયક મેચ પહેલા તેનું બહાર થવું કેપ્ટન શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે લોર્ડ્સમાં હર્ષ દુબેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે કે કેમ, જોકે નિષ્ણાતોના મતે કુલદીપ યાદવ આ મેચ રમશે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.

ત્રીજી વનડે માટે ભારતની સંપૂર્ણ સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંગ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે.