આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે એડિનબર્ગમાં યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ એક મોટો અને સનસનાટીપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આગામી વનડે વર્લ્ડ કપ 2027 ના ફોર્મેટમાં બહુ મોટા ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારો હેઠળ હવે ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપમાં ‘સુપર સીરિઝ’ (Super Series) અને ‘સુપર સેવન’ (Super Seven) જેવા તદ્દન નવા સ્ટેજ જોવા મળશે. નોંધનીય છે કે વનડે વર્લ્ડ કપ 2027 ની સંયુક્ત યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેવાની છે, પરંતુ મુખ્ય મુકાબલાઓ શરૂ થાય તે પહેલા જ નવું રોમાંચક ગણિત લાગુ પડશે.

કેવી રીતે રમાશે ‘સુપર સીરિઝ’ રાઉન્ડ?
નવા નિયમો અનુસાર, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ નીચેના ક્રમની ટીમો માટે સંકટ ઊભું થશે:
વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયેલી તમામ 14 ટીમોમાંથી રેન્કિંગ અથવા ક્વોલિફિકેશનમાં સૌથી તળિયે રહેલી છેલ્લી 3 ટીમો વચ્ચે ‘રાઉન્ડ-રોબિન સુપર સીરિઝ’ (Round-Robin Super Series) રમાશે.
આ સુપર સીરિઝની વિજેતા બનેલી માત્ર 1 ટીમ જ આગળના મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકશે, જ્યારે બાકીની 2 ટીમોની સફર ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સમાપ્ત થઈ જશે.

ગ્રુપ સ્ટેજનું નવું માળખું
સુપર સીરિઝ પૂરી થયા બાદ બાકી વધેલી 12 ટીમોને મુખ્ય ટૂર્નામેન્ટ માટે આગળ મોકલવામાં આવશે:
આ 12 ટીમોને 6-6 ટીમોના બે અલગ-અલગ ગ્રુપ (ગ્રુપ A અને ગ્રુપ B) માં વહેંચવામાં આવશે.
બંને ગ્રુપમાં તમામ ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટ હેઠળ એકબીજા સામે મેચ રમશે.
લીગ સ્ટેજના અંતે બંને ગ્રુપમાંથી ટોપ-3 સ્થાન મેળવનારી ટીમો (બંને ગ્રુપની મળીને કુલ 6 ટીમો) અને તેના પછીના શ્રેષ્ઠ સ્થાને રહેલી અન્ય એક ટીમ એમ મળીને કુલ 7 ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.
‘સુપર સેવન’ રાઉન્ડ અને સેમિફાઇનલનું સમીકરણ
ટૂર્નામેન્ટનો સૌથી રોમાંચક ભાગ અહીંથી શરૂ થશે:
આગળ વધેલી આ 7 ટીમો વચ્ચે ‘સુપર સેવન’ (Super Seven) રાઉન્ડ રમાશે. આ રાઉન્ડ પણ સંપૂર્ણપણે રાઉન્ડ-રોબિન ફોર્મેટ પર આધારિત હશે, જ્યાં દરેક ટીમ અન્ય તમામ છ ટીમો સામે ટકરાશે.
આ રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી પ્રથમ 4 ટીમો સેમિફાઇનલ (Semifinals) માટે ક્વોલિફાય થશે.
સેમિફાઇનલના રોમાંચક જંગમાં પોઇન્ટ ટેબલની પ્રથમ સ્થાન ધરાવતી ટીમ ચોથા સ્થાનની ટીમ સામે ટકરાશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેલી ટીમો ફાઇનલમાં જગ્યા બનાવવા માટે એકબીજા સામે આમને-સામને જંગ ખેલશે.



