બાઈકની પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત : હાઈકોર્ટ

ટ્રાફિક નિયમોને લઈને હાઈકોર્ટ દ્વારા એક મોટો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં બાઈકની પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતનો અમલ કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ જે માર્ગદર્શન આપે છે તે અમે કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું.

હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ

પાંજરાપોળ ઓવરબ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટનાં આદેશ બાદ અરજદાર દ્વારા SG હાઈવે સહિતનાં મુખ્ય હાઈવે પર અમેન્ડમેન્ટ રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યા અને ટુ-વ્હીલર ચાલકોનાં હેલ્મેટ ન પહેરવા અંગે હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, અમદાવાદ શહેરમાં હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી.તો દંડનો હેતુ શું રહેશે? ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાની વાત કરી છે. આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી માટે આદેશ છે કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે.