સુરતઃ ગુજરાતીઓની શાન અને શાખ પર ડાઘ લગાડતી એક ઘટના સુરતમાં સામે આવી છે. ગુજરાતમાં દારુબંધી છે પરંતુ આ ઘટના દારુબંધીના કડક કાયદાના લીરે-લીરા ઉડાડતી ઘટના છે. સુરતમાં વિઘ્નહર્તા ગણેશજીના પંડાલમાં બાપ્પાની મૂર્તિ લઈ જતી વખતે ડીજેના તાલે નાચતા યુવાનો ખુલ્લેઆમ દારુ પીને ડાન્સ કરી રહ્યા છે અને બીયરની છોળો ઉછાળી રહ્યા છે.
ગુજરાતમાં દારુ અને દારુ પીતા લોકોને અનેકવાર પકડાય છે, પરંતુ ધર્મના કામમાં પણ આ પ્રકારની દારુની છોળો ઉછાળવી એ ખરેખર અયોગ્ય અને ગુનાહિત કૃત્ય કહેવાય. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતના કોટસફિલ રોડ વિસ્તારનો છે. અહીં શ્રી વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના સમયે ડીજેના તાલે નાચતાં યુવાનો બિન્દાસ દારૂની મોજ માણી રહ્યા છે. ખુલ્લેઆમ તેઓ બીયરની છોળો ઉછાળી રહ્યા છે. ગણેશ ઉત્સવ સમયે આ રીતે સરેઆમ દારૂ પીને આસ્થાના નામે ઐયાશી કરતાં યુવાનોનો વીડિયો વાઈરલ થતાં અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ જ આસ્થા સાથે ઉજવાય છે. પણ છેલ્લા ઘણા સમયથી યુવાનો દરેક તહેવારને દારૂની બોટલો અને ડીજેના તાલે ઉજવતાં થઈ ગયા છે. પણ તે લોકોને ખબર નથી કે તેમનાં આવા કૃત્યથી તેઓ લોકોની ધાર્મિક લાગણી દુભાવે છે. તો આ વીડિયો સુરત પોલીસ અને ગુજરાત સરકાર માટે પણ એક લપડાક સમાન છે. ગુજરાતમાં સરકાર અને પોલીસ દારૂબંધીના બણગાં તો બહુ ફૂંકે છે. આ વીડિયો ગુજરાતની જમીની હકીકત દર્શાવે છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. અને દારૂ પીને જાહેરમાં ધતિંગ કરતાં શ્રી ગણેશ યુવક મંડળનાં 8 યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.