અમદાવાદ: HSRP નંબર પ્લેટ વગરના વાહનો દંડાયા…

અમદાવાદ- શહેરના સુભાષ બ્રિજ-આરટીઓ વિસ્તારમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી. સરકાર દ્વારા મહિનાઓ સુધી તમામ વાહન ધારકો ને પરિપત્રો જાહેર કરી જાણ કરવામાં આવી કે એચએસઆરપી (હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ)વાહન પર લગાડવી.

એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની વારંવાર જાહેરાતો-સૂચનાઓ આપ્યા પછી પણ હજુય માર્ગો પર હજારો વાહનો દોડી રહ્યા છે. આરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર  જૂની નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ફરજીયાત એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાના નવા ફરમાન વેળાએ આરટીઓમાં ભારે જમાવડો થઇ ગયો હતો. જેના કારણે સમય પણ લંબાવવામાં આવ્યો હતો.  ત્યારબાદ શહેરમાં શાળા-કોલેજ તેમજ ચોક્કસ વિસ્તારોમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓની ટુકડીઓએ જુદા જુદા સમયે જૂની નંબર પ્લેટ વાળા વાહન ચાલકોને દંડ પણ કર્યો છે. પરંતુ હજુ પણ સંખ્યાબંધ વાહનો પર નિયમ પ્રમાણેની નંબર પ્લેટનો અભાવ જોવા મળે છે.

4 સપ્ટેમ્બર, 2019 બુધવારની સવારથી જ એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને ઉભા રાખી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રજ્ઞેશ વ્યાસ