ગાંધીનગર– રાજ્યમાં પલ્સ પોલિયો રસીકરણ ઝૂંબેશ હેઠળ માર્ચ-૨૦૧૯માં ૮૪ લાખથી વધુ એટલે કે ૯૯.૪૫ ટકા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યનું સરેરાશ કવરેજ ૯૬ ટકા તેમજ જિલ્લામાં ૯૫ ટકા સરેરાશ રસીકરણ થયું છે. જેમાં અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં ૧૦૦ ટકા કે તેથી વધુ રસીકરણ થયું છે. આગામી સમયમાં રસીકરણના લક્ષ્યાંકને ૧૦૦ ટકા પૂર્ણ કરવા વધુ ઉત્સાહથી રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે તેમ, આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં રસીકરણની કામગીરી અંગે યોજાયેલી સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકમાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું.
રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને વધુ સફળતા મળે અને કોઇ બાળક રસી વિનાનું રહી ન જાય તે હેતુથી આરોગ્ય વિભાગે એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત સાથે સમજૂતી કરાર કર્યા છે.
આરોગ્ય કમિશનરે રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તેવા જિલ્લાઓમાં રસીકરણ વધુ થાય તે માટે વિવિધ ધર્મોના સ્થાનિક ધર્મગુરૂઓના સહકારથી જે તે જ્ઞાતિના લોકોને તેમના બાળકોના રસીકરણ માટે જાગૃત કરવા પ્રયાસો કરવા જોઇએ. છેવાડાના ગામડાના લોકોમાં તેમના બાળકોના રસીકરણ અંગે જાગૃતી લાવવા સેટકોમનો ઉપયોગ કરવો જોઇએ. આશા વર્કર અને આંગણવાડીના કાર્યકર બહેનોને વિવિધ તબક્કે તાલીમ આપવા બ્લોક સ્તરે સ્થાનિક ભાષામાં સાહિત્ય-વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના આદિજાતિ વિસ્તાર, શહેરી વિસ્તાર, તમામ શાળાઓ, પિડીયાટ્રિશન, ઔદ્યોગિક એસોશિએશન, યુનિસેફ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો રસીકરણ કાર્યક્રમ માટે મહત્તમ સહયોગ લેવામાં આવશે.