રાજકોટ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે ધોરણ 12 નું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી રાજકોટમાં ચાની લારીએ ચા બનાવતો હતો ત્યારે સ્કૂલના શિક્ષકે તેને રૂબરૂ જઈને આ ખુશ ખબર આપ્યા હતા.
રાજ્યનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજકોટ શહેર અને જિલ્લાનું 93.66 ટકા પરિણામ જાહેર થયું છે. રાજકોટનો રાજ નારણભાઇ પરમાર નામનો વિદ્યાર્થી 99.99 પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આવ્યો છે. રાજકોટની 150 ફૂટ રીંગ રોડ પર , ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં આવેલી મોદી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો. ધોરણ 10 માં રાજ ને 99.49 ટકા આવ્યા હતા. શરૂઆતથી તે અભ્યાસમાં હોશિયાર હતો.
રાજના પિતા નારણભાઇ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક નજીક ચાની નાની કેબીન ધરાવે છે. તેઓ છેલ્લા 5 વર્ષથી ચા વેચવાનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર રાજ રોજ સવારે ત્રણ કે ચાર કલાક પિતાને ચાની લારીએ મદદ કરવા જાય છે. અભ્યાસની સાથે તે પિતાને ધંધામાં મદદ કરતો હતો.
મોદી સ્કૂલના સંચાલક રશ્મિભાઈ મોદીએ ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું કે, આજે સવારે જ્યારે પરિણામ જાહેર થયું અને રાજ બોર્ડ ફર્સ્ટ આવ્યો ત્યારે મીડિયાના મિત્રો રાજને મળવા માગતા હોવાથી અમારા શિક્ષક તેને લેવા ચા ની લારીએ ગયા ત્યારે તે ચા બનાવતો હતો. તે મોબાઈલ નો પણ ખાસ ઉપયોગ કરતો નથી. સંઘર્ષ કરીને રાજ પરમારે આ સફળતા મેળવી છે. સ્કૂલ ઉપરાંત રાજકોટનું તેણે ગૌરવ વધાર્યું છે. દરમિયાન રાજ પરમાર કહે છે , હું રોજ 6 થી 7 કલાક વાંચન કરતો હતો. સ્કૂલની વિવિધ પરીક્ષા આપતો હતો. મને વિશ્વાસ હતો કે પરિણામ સારું આવશે પણ બોર્ડ ફર્સ્ટ આવીશ તેઓ ખ્યાલ ન હતો. મારે આગળ હવે CA બનવું છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)
