ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામી ગયો છે. ત્યારે ગુજરાતમાં બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા. બીજી બાજુ આજે સવારથી સુસવાટાભેર પવન ફૂંકાતા ઠંડીમાં ચમકારો વધી ગયો છે.
ઠંડીને લઈ હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યારપછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે પતંગરસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી બાજું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભરશિયાળે માવઠાની આગાહી પણ વ્યક્ત કરી હતી. આંકડાઓની માહિતી અનુસાર નલિયામાં 5.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં લોકો ઠુઠવાયા હતા. આ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીનો ઘટાડો હતો. જોકે બીજી બાજુ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, જામનગરમાં પણ તાપમાન ગગડ્યું હતું. જ્યારે અમદાવાદની વાત કરીને તો અહીં શુક્રવારની રાતે 13.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે અહીં પણ પારો ગગડી શકે છે.