યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવનાર ભૂજના મ્યુઝિયમની કેવી છે વિશેષતા ?

UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે જાણીએ આ વન શું છે ? ક્યારે બનાવવામાં આવ્યું? અને એમાં શું પ્રદર્શિત કરાયું છે.

સ્મૃતિવન શું છે?

સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું છે. ૨૦૦૧માં ગુજરાત ધરતીકંપના પીડિતોને આ સ્મારક સમર્પિત કરાયું છે. આ મ્યુઝિયમમાં અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.

ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગષ્ટ 2022ના રોજ આ સ્મૃતિવનનું ઉદ્ધાટન કર્યુ હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ૨૦૦૪માં ૨૦૦૧ના ગુજરાત ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકો માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા આ સ્મૃતિવનની રચના કરવામાં આવી છે.

આ સ્મૃતિવન ૪૭૦ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે  જે ભૂકંપ પીડિતને સમર્પિત કરવામાં આવ્યા છે. અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો, ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઉપરાંત ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે

જુદા-જુદા વિષયો આધારિત પ્રદર્શન

સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે. આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણનો સમાવેશ થાય છે. જે પૈકી જેમાં ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ, 2001ના ધરતીકંપ પછીની રાહત કાર્ય દર્શાવતી તસ્વીરો, 2001 ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો, વિવિધ આફતો પ્રકારો અને તૈયારી, 5-ડી ભૂકંપ સિમ્યુલેટર અને 2001ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક છે.

ઉલ્લેખનીય છે કે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.  ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.