મહારાજ ફિલ્મ પર સ્ટેઃ શું છે વિવાદ?

નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો છે. નોંધનીય છે કે ફિલ્મીમાં વૈષ્ણવ સંપ્રદાય વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈને વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલ લોકો મહારાજા ફિલ્મને લઈ મેદાને ઉતર્યા છે. વધતા વિવાદને કારણે મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે અને જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ છે.

અગાઉની સુનાવણીમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઇકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો.

શું છે મહારાજ લાયેબલ કેસ?

મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટીકોણ આપતો કેસ છે. વાત છે 1860ના દાયકાની. પત્રકાર કરસનદાસ મુળજી પત્રકારત્વની સાથે સમાજસુધારકની ભૂમિકા પણ ભજવી રહ્યા હતા. નાનપણથી જ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામના સમાચાર પત્રની શરૂઆત કરી, જેમાં એમણે સમાજના કુરિવાજોને લઈને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા, જ્યાં તેમનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોમાં શબ્દો સાથે કરાયેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા હતા.

કરસનદાસ મુલજી, પત્રકાર અને લેખક

કરસનદાસે એ વ્યાભિચાર વિરુધ્ધ પોતાના સામયિકમાં લેખન શરૂ કર્યું. થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જદુનાથજી કન્યાકેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા એટલે આ કાર્યને પણ કરસનદાસજીએ પોતાના સમાચારપત્ર દ્વારા બિરદાવ્યું. સમયાંતરે કરસનદાસજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતાં તેમણે આ ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો, જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ લેખની સામે જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ)માં સુનાવણીના દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત થઈ. ઇતિહાસમાં આ કેસ ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.

એ સમયે ખૂબ ચકચારી બનેલા આ કેસની વિગતો પરથી જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહે મહારાજ નામની નવલકથા લખી હતી. આ જ નવલકથા પરથી મહારાજ નામે ફિલ્મ બની છે, જે નેટફ્લિક્સ પર રજૂ થનાર હતી.

આ કેસ પર સંશોધન કરનાર અમદાવાદસ્થિત એનઆઇએમસીજે સંસ્થાના ડિરેક્ટર અને રાજકીય વિશ્લેષક ડો. શિરીષ કાશીકર મહારાજ ફિલ્મના વિરોધ પર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “મહારાજ નવલકથા સૌરભ શાહે લખી છે, જે 2013 માં આર.આર.શેઠ માં પબ્લિશ કરવામાં આવી હતી. આ નવલકથાને 2017માં ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ નવલકથા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને 2018માં સુરતની પ્રતિષ્ઠિત સંસ્થા નર્મદ સાહિત્ય સભાએ ‘મહારાજ’ ને ‘નંદશંકર ચંદ્રક’થી નવાજી હતી. આમ જોવા જઈએ તો ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. સૌરભ શાહ દ્વારા જે નવલકથા લખાઇ છે તે સત્ય આધારિત છે. જેને પાયો ગણીને મહારાજ ફિલ્મ બનાવવામાં આવી હશે. એક પોસ્ટરના આધારે વિરોધ કરવો એ યોગ્ય નથી. આપણે ફિલ્મ જોવી જોઈએ. પછી જો કાંઇ વાંધાજનક લાગે તો વિરોધના સૂર છેડવા જોઈએ.”

મહારાજ ફિલ્મ વિવાદ

યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવાયેલી મહારાજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે વિવાદ શરૂ થયો હતો. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય છે એ વાતને લઇને વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ થયું છે. અમદાવાદ સહિત ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયે ફિલ્મ સામે રોષ પ્રગટ કરીને કોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટે હાલ પૂરતું તો ફિલ્મ પર સ્ટે લગાવી દીધો છે.

(તેજસ રાજપરા-અમદાવાદ)