ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજીના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં સર્જાયેસી સ્થિતિ અને વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને રાહત પગલાની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે આજે 99.66 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છમાં સરેરાશ 116.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.99 ટકા, સૌરાષ્ટ્રમાં 101.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા અને મધ્ય ગુજરાતમાં 98.74 ટકા વરસાદ થયો છે. પાછલા 24 કલાકમાં 33 જિલ્લામાં 251 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને પરિણામે રાજ્યના 15 નદીઓ તથા 21 તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે તેની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તેની સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી છે. લોકો ઓવરફ્લો થયેલી આવી નદીઓના વહેણમાં કે નાળાઓમાં જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ વર્તવા મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી.
રાજ્યમાં 206 જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના 72.73 ટકા જેટલું પાણી આવ્યું છે. 76 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, 96ને હાઈએલર્ટ પર તથા 19ને એલર્ટ પર મૂકવામાં આવેલા છે. રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અને એસ ડી આર એફ ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે તેની પણ વિગતો આપવામાં આવી હતી. આર્મીની 6 કોલમ દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને મોરબી તથા રાજકોટ જિલ્લામાં બચાવ રાહત માટે તૈનાત કરવામાં આવી છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે. અત્યાર સુધીમાં 23871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે ગામો-નગરોમાં વીજ પુરવઠાને થયેલી અસરોની પણ વિગતો મેળવી હતી. આ અંગે વિગતો આપતા બેઠકમાં જણાવાયું કે કુલ 8824 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તેમાથી 7806 માં સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. 6615 વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત હતા તેમાંથી 6033નું દુરસ્તી કાર્ય પૂરુ થઈ ગયું છે.