સુરતના વિવેક ઓઝાનો રાષ્ટ્રીય બેડમિંટન સ્પર્ધામાં ભવ્ય વિજય

અમદાવાદ: વેપારી પ્રજા ગણાતી ગુજરાતી પ્રજાનો યુવાન રમતગમતમાં જીત મેળવતો થાય એટલે ઘણાને વિશ્વાસ ન આવે, પણ સુરતના એક યુવાને એ વાત ખોટી પાડી છે ને નવી ગુજરાતી પેઢી રમતગમતમાં પણ આગળ પડતી છે એ દેખાડ્યું છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં હમણાં એક બેડમિંટન ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. ઓલ ઈન્ડિયા માસ્ટર્સ રેકીંગ બેડમિંટન ટુર્નામેન્ટ-2019ની આ પ્રતિયોગિતામાં સુરતના ગુજરાતી યુવાને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સુરતનો યુવાન વિવેક ઓઝા આ ટુર્નામેન્ટમાં સિંગલ્સ કેટેગરીમાં વિજયી બન્યો હતો. આ ખિતાબ મેળવનાર તે ગુજરાતનો પહેલો ખેલાડી છે. ગુજરાત રાજ્યની રેકિંગ ટુર્નામેન્ટ્સમાં વિવેક અગાઉ સળંગ 4 વાર વિજયી બની ચૂક્યો છે. 37 વરસનો વિવેક ઘણા સમયથી બેડમિંટન રમે છે ને અનેક સ્પર્ધાઓ જીત્યો છે. વિવેક પોતે છેલ્લાં ઘણાં વરસથી બેડમિંટન કોચ તરીકે કામ કરે છે.

વિવેકે chitralekha.com સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું મારા પરિવાર પ્રત્યે ખુબજ ગર્વ અનુભવુ છું કે જેમણે મને મારા કેરિયરમાં આગળ વધવા માટે ખુબજ મદદ કરી. આ ટૂર્નામેન્ટમાં રમવા માટે હું ઘણો ઉત્સાહિત હતો અને છેલ્લા 2 મહિનાની સખ્ત મહેનતનું આ પરિણામ છે જે મારા કેરિયરની સૌથી મોટી ઉપલબ્ધી છે.

ટુર્નામેન્ટની બધી મેચ પહેલીથી ચોથી ડિસેમ્બર 2019ની વચ્ચે રમાઈ હતી. બેડમિંટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા તરફથી મહારાષ્ટ્ર બેડમિંટન એસોસિયેશન દ્વારા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી.