વડોદરાઃ શહેરની નજીક જૈન તીર્થ મણિલક્ષ્મીના પવિત્ર પ્રાંગણમાં ષડ્દર્શનના વિદ્વાન જૈનાચાર્ય ગચ્છાતિપતિ વિજયયુગભૂષણસૂરીશ્વરજીની છત્રછાયામાં ગુરુવારા રાજકારણીઓ, અમલદારો, રાજકીય વિશ્લેષકો, થિન્ક ટેન્કના દિગ્ગજો, IAS અને IPS અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો સહિતના મહાનુભાવોની હાજરીમાં વસુધૈવ કુટુંબકમ કી ઔર નામનો સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં બદલાતી વિશ્વ વ્યવસ્થામાં પશ્ચિમી મહાસત્તાઓ અને જાગતિક દક્ષિણ વિશ્વના દેશોના ભવિષ્ય વિશે તજ્જ્ઞો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. અમદાવાદની જ્યોત સંસ્થા દ્વારા દેશની બે અગ્રણી થિન્ક ટેન્ક, વિવેદકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને ઇન્ડિયા ફાઉન્ડેશન તથા રિસર્ચ પાર્ટનર તરીકે ગીતાર્થ ગંગાના સહયોગથી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, પંડિત મહારાજે ભારપૂર્વત જણાવ્યું હતું કે વસુધૈવ કુટુંબકમની ફિલસૂફી એ કોઈ નથી, પરંતુ ભારતીય પરંપરાઓનો એક પ્રાચીન સિદ્ધાંત છે, એની જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્મના ગ્રંથો આ ખ્યાલની સાક્ષી આપે છે. વિશ્વમાં અસ્થિરતા પ્રવર્તી રહી છે, ત્યારે વસુધૈવ કુટુંબકમ આશાની એકમાત્ર દીવાદાંડી તરીકે ઊભરી આવે છે. હાલના કપરા કાળમાં વિશ્વને એક પરિવારમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે અને પરિવારમાં બનાવેલી સમાનતા એ સુમેળ અને સ્થિરતા માટેનું મહત્ત્વનું અંગ છે. વસુધૈવ કુટુંબકમના પાયામાં મૂળભૂત માન્યતા રહેલી છે. આ ભાવના વિશ્વને સોફ્ટ પાવરની ભેટ છે.
બે દિવસીય કોન્કલેવમાં ચર્ચા-વિચારણાને માટે ચાર સત્રો રાખવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સત્ર બંધ દરવાજા પાછળ યોજવામાં આવ્યા હતા, જેમાં વિશ્વના રાજકીય, આર્થિક અને સામાજિક પરિણામોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કોન્કલેવમાં સહભાગીઓએ ઊભરતી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા માટે વસુધૈવ કુટુંબકમની ફિલસૂફીને વ્યાવાહરિક અમલમાં મૂકવાની રીતો અને માધ્યમોની ચર્ચા કરી હતી.