વડોદરા સગીરા ગેંગરેપ કેસ:આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રજૂ કરાયા

વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને આજે (8 ઓક્ટોબર) ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા. જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માગવા માટે રજૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોર્ટમાં વકીલો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. આ દરમિયાન આરોપીઓને ટપલીદાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે હાલમાં કોઈપણ વકીલ આરોપીઓ તરફથી કેસ નહીં લડે અને આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરવામાં આવી રહી છે.

તારીખ 4 ઓક્ટોબર, 2024ના રોજ બીજા નોરતે ભાયલી બિલ રોડ ઉપર સગીરા અને તેનો મિત્ર બેઠા હતાં. તે દરમિયાન ત્રણ હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એકબાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર અને ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ અને 48 જ કલાકમાં ત્રણેય આરોપીઓ સહિત સ્થળ પર ગયેલા અન્ય 2 લોકો સહિત પાંચેય ઝડપાઈ ગયા. આ ત્રણેય નરાધમો મુમતાજ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. સ્થળ પર આવેલ પાંચ પૈકી જે બે યુવકો અપશબ્દો બોલી જતા રહ્યા હતા, તેઓની અટકાયત થઈ છે અને તેઓના નામ સૈફ અલી વણઝારા અને અફઝલ વણઝારા હોવાનું સામે આવ્યું છે અને તેમનો આ ગુનામાં રોલ નક્કી કરી તેમની સામે કાર્યવાહી થશે. રેન્જ આઈ જી સંદીપ સિંહનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ તાલુકા પોલીસની હદનો હોવાથી ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે અને સમગ્ર કેસમાં તપાસ માટે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીની આગેવાનીમાં એસ.આઈ.ટી ની રચના કરાઈ છે અને ઝડપી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે.