વડોદરા- ડભોઇ તાલુકાના ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં ખાળકૂવો સાફ કરવાની કામગીરીમાં 7 મજૂરનો મોતનો મામલો બન્યો છે. મોડી રાતનાં આશરે 11 કલાકે એક મજૂર હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો. જેને ગૂંગળામણનાં કારણે બૂમો પાડી હતી જેના કારણે તેને બચાવવા અન્ય 6 જણ પણ ખાળકૂવામાં ઉતર્યા હતાં. આ તમામ સાતેય વ્યક્તિઓના અંદર જ મોત થયાં છે. સમગ્ર બનાવની જાણ ડભોઇ ફાયર અને પોલીસને થતાં પોલીસ કર્મીઓ 108 એમ્બ્યૂલન્સ અને ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચ્યાં હતાં અને રાહત કામગીરી શરૂ કરી હતી. અહીંનો માલિક રઝાક મોમીન હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો છે. ફરાર માલિક પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે જાણ થતાં રાજ્ય સરકારે દિલસોજી પાઠવવા સાથે કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી નીતિઆયોગની બેઠકમાં ગયેલાં મુખ્યપ્રધાન રુપાણીએ ઘટનાની વિગતો મેળવી હતી અને ખાનગી હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના જિલ્લાતંત્રને આપી છે.
મોતને ભેટેલાં મજૂરોમાં ડભોઇ થૂવાવી ગામના રહીશ મહેશ મનીલાલ હરીજન રહે. વસાવા ફડીયા,થૂવાવી, 2. અશોક બેચરભાઈ હરીજન રહે વાટા ફાડીયા થૂવાવી, 3. અશોકભાઈનો પુત્ર હિતેશ અશોકભાઈ હરીજન હોટલના માલીકનાં કહેવાથી હોટલનો ખાળકૂવો રાતે 11 કલાક પછી સફાઈ કરવા ઉતાર્યા હતા. જેમાં થૂવાવી ગામના જ મહેશ રમણભાઈ પાટણવાડીયાના ટ્રેક્ટર લઈ મળ ભરી લઈ જવા આવ્યા હતા.
જેમાં મહેશ મણીલાભાઈ હરીજન ખાડકૂવો સાફ કરવા ઉતરતા તને ખારકૂવાનાં ઝેરી ગેસ ને કારણે ગૂંગળામણ થવા લાગતાં તે ખાળકૂવામાં પડી ગયો હતો. જેને બચવા એક પછી એક અંદર કૂદી પડતા ચારેયનાં અંદર જ મોત નીપજ્યાં છે. આ બનાવ બનતા ત્યાં જ હોટલમાં રહી વેટરની નોકરી કરતાં ત્રણ વ્યક્તિઓ પણ ખાડકૂવામાં કૂદ્યાં હતાં. તેઓ પણ ખાડકૂવામાં જ મૃત્યું પામ્યા હતાં.
આ વાતની જાણ ડભોઇ પોલીસને તેમજ ફાયર સ્ટેશન થતાં પોલીસ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાત વ્યક્તિને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. ડભોઇ ઉપરાંત વડોદરાથી પણ 3 ફાયર ફાયટર અને 3 મહાનાગર પાલીકાના ખાળકૂવા સાફ કરવાના મોટા મશીનો માંગવી સાતે ઇસમોના મૃત દેહને 6 કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવ ને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.