આ વર્ષે હેરિટેજ અને પ્રવાસનસ્થળોએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમો…

અમદાવાદ- વિશ્વના નકશામાં ગુજરાત તરફથી ઉમેરાયેલી મહત્ત્વની ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઝડપથી લોકપ્રિય બની ગયો છે. ત્યારે આ વર્ષે પણ તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આગામી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થનાર છે ત્યારે પૂર્વતૈયારીના ભાગરુપે રાજ્યવેરા કમિશનર આયુક્ત પી. ડી. વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર  ડૉ. વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી  એ. એમ. બાબુની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક થઈ હતી..

પી.ડી વાઘેલાએ જણાવ્યું કે “આ વર્ષે ગુજરાતમાં દોઢ કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તેવુ સરકારનું આયોજન છે. ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા નક્કી કરાયેલ ધારાધોરણ મુજબ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં થશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ ઉજવાશે. અમદાવાદ જિલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.”

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લાની યોગ દિનની ઉજવણીની માહિતી અપતા જણાવ્યું કે  “અમદાવાદ જિલ્લામાં અંદાજે 15 લાખ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ ઉજવણીમાં શહેરના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક અને સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને વ્યાપારિક સંગઠનો સહિત ૨૦ હજારથી વધુ શહેરીજનો જોડશે. સાથો સાથ તાલુકા કક્ષાએ પણ યોગ દિનની ઉજવણી થશે.”