ગુજરાતમાં મોડો પણ શિયાળો ધીમે ધીમે જામવા લાગ્યો હતો. ત્યારે ફરી એક વખત ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ત્યારે ગતરાત્રિ (26/12/2024)થી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્માના દામવાસમાં તો બરફના કરા પડ્યા હતા. આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉભરાણ, સૂલપાણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભિલોડા, મોડાસાના ટીંટોઇ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યાં હતાં. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આહ્લાદક ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે આજે શુક્રવારે વહેલી સવારે ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે. દાંતા તાલુકાનાં અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાત્રીના સમયે અંબાજી દાંતા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના છ તાલુકા માંથી ત્રણ તાલુકામાં આજે વેહલી સવારથી કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ઇકબાલગઢ પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરના મોટા ભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં 26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચવાની શક્યાતો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠામાં આજે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં વધારા સાથે વરસાદની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે. આવતીકાલથી ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે એટલે કે ફરી એક વખત ઠંડીનું જોર વધશે.