અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ITRAના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર અને GBRCના નિયામક ડો. ચૈતન્ય જોષી દ્વારા MoU કરવામાં આવ્યા છે, જે પ્રાચિન અને આધુનિક ચિકત્સા વિજ્ઞાનની દિશામાં સંશોધનો થકી નવાં સીમાસચિહ્નો રૂપ સાબિત થશે.
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA)એ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, શિક્ષણ અને ચિકિત્સા આપતી વિશ્વની અગ્રણી સંસ્થા છે. આ સંસ્થાની આયુર્વેદ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી અને યોગદાનને ધ્યાનમાં લઇમે ભારત સરકાર દ્વારા તેને INI (રાષ્ટ્રની મહત્વની સંસ્થા) તરીકે ઘોષિત કરવામાં આવી છે. ITRA આયુર્વેદ અને આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રમાં સ્નાતક, અનુસ્નાતક અને
ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત ઔષધીય વનસ્પતિઓ સંબંધિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે, જે અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરીઓ ધરાવે છે. આ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની મૂળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રોનાં સંશોધનોમાં થઈ શકે છે.
આ બે મહત્વપૂર્ણ સંશોધન સંસ્થાઓ વચ્ચે હાલમાં જ વૈજ્ઞિનક સંશોધનો માટે એક MoU (સહયોગ કરારપત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી આયુર્વેદની ઔષધિઓ, ઔષધયોગો અને અન્ય ચિકિત્સાઓ તેમ જ બાયોટેક્નોલોજિકલ ઉત્પાદનોનું સુવ્યવસ્થિત રીતે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરીક્ષણો દ્વારા સાંશોધન થઈ શકશે. બન્ને સાંસ્થાઓના સહયોગને કારણે પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિ અને આધુનિક વૈજ્ઞાનિક સાધનો – એમ બંને પક્ષને સંશોધનોમાં આવરી લઈ શકાશે. આ પ્રકારનાં સંશોધનો દ્વારા આયુર્વેદીય ઔષધો અને ચિકિત્સા પ્રક્રિયાઓ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર કઈ રીતે કાર્ય કરે છે અને શી અસરો કરે છે તે પણ સામે આવે તેવી સંભાવનાઓ છે.
આ કરારના માધ્યમથી બંને સંસ્થાના વિદ્યાથીઓ અને વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ગુણવત્તા અને વ્યાપના વિસ્તાર માટે બંને સંસ્થાઓમાં ઉપલબ્ધ સંસાધનો જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળા, ચિકિત્સાલય, અન્ય સંશોધન સુવિધાઓ તેમ જ બંને સંસ્થાઓના વિદ્વાન વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકશે.