ચારુસેટના બે કેડેટ્સ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પમાં ઝળક્યા

ચાંગા: ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીના બે કેટેડ્સ આનંદ રાજપૂત અને દિશા પટેલ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ 2022માં ઝળક્યા છે. ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ એ નેશનલ કેડેટ કોર્પ્સ-NCCની પ્રતિષ્ઠિત શિબિર પૈકીની એક છે, જે ૧૪મીથી ૨૫મી સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાઈ છે.  આ શિબિરમાં રાષ્ટ્રીય સ્તર પર તાલીમ અને સ્પર્ધાઓમાં ગુજરાત ડિરેક્ટોરેટનું પ્રતિનિધિત્વ કરવાનું આ બે કેડેટ્સને ગૌરવ પ્રાપ્ત થયું હતું. ચારુસેટ યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ કરતો કેડેટ આનંદ રાજપૂત અને બેચલર ઓફ ફાર્મસીમાં અભ્યાસ કરતી કેડેટ દિશા પટેલનો ૮૦૦માંથી પસંદ કરાયેલા ૮૮ કેડેટ્સમાં સમાવેશ થયો હતો. 

ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ માટે વિવિધ તબક્કામાં કઠિન પસંદગી પ્રક્રિયામાંથી પસાર થઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહે છે, જેમાં રાજ્યમાંથી વિવિધ કેડેટ્સે ભાગ લીધો હતો. ચારુસેટ યુનિવર્સિટીના બંને કેડેટ્સ વિવિધ લશ્કરી વિષયોની કસોટીમાં સારું પ્રદર્શન કરીને નકશા વાચન, આરોગ્ય અને સ્વચ્છતા એમ બે વિષયોમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આમાં પસંદગી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જેવા કે આંતર બટાલિયન કેમ્પમાં  વિવિધ બટાલિયનના 147 કેડેટ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતી.  આંતર જૂથ કક્ષાની સ્પર્ધામાં પસંદગી બાદ તમામ પસંદ કરાયેલા કેડેટ્સ માટે અંતિમ પસંદગી કસોટી કરવામાં આવી હતી.

ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, CMPICAના પ્રિન્સિપાલ ડો. અતુલ પટેલ,   RPCPના પ્રિન્સિપાલ  ડો. મનન રાવલ, લેફ્ટનન્ટ કર્નલ સતીશન આર. તથા બે CTC, NCCના સ્ટાફ, CTO ડો. પ્રીતેશ પટેલ દ્વારા બંને કેડેટ્સની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. બંને કેડેટ્સને CTO  ડો. પ્રીતેશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.