અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવીઝન આગામી થોડા સમય બાદ ઉત્તર ભારતથી આવતી અને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી 33 જેટલી ટ્રેનોને ચાંદલોડીયા રેલવે સ્ટેશન ડાયવર્ટ કરશે, જે અમદાવાદ બાયપાસ જશે. ત્યારે રાજકોટ, ગાંધીધામ, જામનગર તેમજ ગુજરાતના પશ્ચિમ ભાગમાં રહેતા શહેરીજનો કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને ખૂબ હાલાકી ભોગવવી પડશે.
પાલનપુરથી મધ્યગુજરાત તરફ જતી ટ્રેનો ખોડિયાર, ચાંદલોડીયાથી પસાર થઈને આંબલી રોડ જશે. ત્યારબાદ આ ટ્રેનો સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જશે. આના કારણે અમદાવાદ આવવા ઈચ્છતા લોકોએ ચાંદલોડીયા રેલવે સ્ટેશન અથવા તો આંબલી રેલવે સ્ટેશન જવું પડશે. તો જે મુસાફરો આંબલી રોડ પર ઉતરે છે અને તેમને અમદાવાદ રેલવે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે, તો તે લોકોએ શહેરમાં 13 કીલોમીટર સુધી જવું પડશે. કારણ કે ચાંદલોડિયા રેલવે સ્ટેશન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 કિલોમીટર દૂર છે. અહીંયા પહોંચતા સુધીમાં મુસાફરોને 30 મીનિટ જેટલો સમય લાગશે.
રેવલે તંત્રના આ નિર્ણયના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરો કે જેમને રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરવાની છે તેમને ખૂબ તકલીફ પડશે. કારણ કે મુસાફરીમાં જ ઘણો સમય જતો રહેશે. ત્યારે રેલવે વિભાગે મુસાફરોને સરળતા રહે તે માટે ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાઈવર્ટ કરવાની જરુર હતી.