આપણે ત્યાં નવાનવા સંશોધનોમાં શું ખૂટે છે? રજૂ થયાં રસપ્રદ તારણો…

અમદાવાદ: ઈનોવેશન એ સમૃદ્ધિને ખેંચી લાવે એવી શક્તિ છે, એમ ટ્રોઈકા ફાર્માસ્યુટિકલના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડૉ.કેતન પટેલે જણાવ્યું હતું. તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)મા મલ્ટીડિસીપ્લીનરી કોન્ફરન્સમાં રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તાજેતરમાં ડૉ.પટેલને નાઈપર-અમદાવાદના બોર્ડ ઑફ ગવર્નન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ જાપાને વિવિધ દેશોની પ્રોડક્ટોની નકલ કરીને વેચાણ શરૂ કરી દીધું હતું પણ તેમાં ખાસ ફાયદો ન થયો એટલે જાપાનીઓ કવોલિટી અને ઈનોવેશન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા થયા. તેના પરિણામે જાપાન સુપરપાવર બની શક્યું. જે દેશો ઈનોવેશન કરતાં રહેશે તેનું વર્ચસ્વ ટકી રહેશે.

ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં વિપુલ તકો છે. ભારતમાં તેના માટે ઉત્કૃષ્ટ સંસાધનો અને લેબોરેટરીઓ છે. યુનિવર્સિટી જે જ્ઞાન આપે છે તેનો સદુપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની વિવેકબુદ્ધિમાં જ સાચી સમજદારી છે. જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરશો તો ઈનોવેશન આપોઆપ થઇ જશે. હાલમાં ઘણી કંપનીઓ ઈનોવેશન કરી રહી છે પણ તેનું કોમર્શિયલાઈઝેશન કરવાની વાત આવે ત્યારે નિરાશાજનક ચિત્ર ઉપસી આવે છે.

ઈનોવેશનના ત્રણ તબક્કા:
1. ગ્રાહકો શું ઈચ્છે છે તેના પર ફોકસ કરો
2. તેના સર્જનમાં કઈ ટેકનોલોજીને ઉપયોગમાં લેવી તેનો વિચાર કરો
3. ઈનોવેશન બધાને પરવડે એવું કેવી રીતે બનાવી શકાય તે વિચારો. આ મુદ્દે વાત કરતા ડૉ.પટેલે ઈલેક્ટ્રીક કારનું ઉદાહરણ આપ્યું હતું.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઉટ ઑફ બોક્સ વિચારધારા અને ઓપન માઈન્ડ ધરાવતો અભિગમ હંમેશા સફળતા અપાવે છે. આઇ ફોન અન્ય કંપનીઓની સરખામણીમાં 30થી 40 ટકા મોંઘી પ્રોડક્ટ્સ વેચે છે અને તેમછતાં તે બજારમાં ટોચ પર પહોંચી ગઈ છે તેનું કારણ ઈનોવેશન છે. જીનોમ એટલે કે આનુવંશિકતા આરોગ્ય જગતનું ભાવિ પલટી નાખશે. ટમેટામાંથી જીવાત થાય એવા તત્ત્વો જ દૂર કરી દેવામાં આવે તો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે.

આ કાર્યક્રમમાં જીટીયુના વાઈસ ચાન્સેલર શેઠે કહ્યું હતું કે  પેટન્ટની બાબતે આપણે અન્ય દેશોની સરખામણીમાં ઘણા પાછળ છીએ. આવું ક્યા કારણોસર થાય છે તે બાબતે મનોમંથન કરવાની આવશ્યકતા છે. ચીન હર્બલ પ્રોડક્ટ્સ બનાવવા જે અશ્વગંધા અને આમળાનો ઉપયોગ કરે છે, તે કાચો માલ આપણા દેશમાં પણ વપરાય છે. ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ફાર્મસીના અભ્યાસક્રમમાં સુધારાવધારા કરવાનું નક્કી કર્યું છે. ફાર્મસી શિક્ષણને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સહિતની નવી ઈમરજીંગ ટેકનોલોજી વડે સુસજ્જ કરવામાં આવશે. જેથી ઈનોવેશન અને પેટન્ટ ફાઈલ કરવાની સંખ્યામાં વધારો થાય.

પરિષદમાં પ્રો. સરનજીત સિંહે દર્દીઓની સારસંભાળ માટે ગુણવત્તા સભર દવાઓની જરૂર વિશે વિચારવિમર્શ કર્યો હતો. કેનેડાથી આ પરિષદ માટે ખાસ આવેલા લોરેન્શિયન યુનિવર્સિટીના પ્રાધ્યાપક અબ્દેલ વહાબ ઓમરીએ બેક્ટેરિયાને લગતી લેટેસ્ટ ટેકનિક તથા વિવિધ બીમારીઓની સારવારમાં તેના વિશે રોચક જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં કુલ 33 રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવ્યા હતા.ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી આ પરિષદ માટે નાણાંકીય સહાય આપવામાં આવી હતી.