ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશન ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ’ની છઠ્ઠી આવૃતિ સાથે દેશભરના સર્જકો અને કલાકારોના માધ્યમથી નવા વિચારો અને થીમ્સ લઈને આવ્યુ છે.
બહુપ્રતિક્ષિત આ આર્ટ પ્રોજેક્ટ ૨૧મી નવેમ્બરથી શરૂ થશે અને ૮મી ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલશે. આ દરમિયાન દરરોજ નૃત્ય, સંગીત, નાટકો અને વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન સહિતની શૈલીમાં ૯૬ કલાકારો દ્વારા ૧૪૦ પ્રદર્શન રજુ કરવામાં આવશે. પોતાની અગાઉની આવૃત્તિઓની જેમ અભિવ્યક્તિ કલાકારો માટે પોતાના વિચાર, સર્જન, પ્રદર્શનની મૌલિક અને કલાત્મક અભિવ્યક્તિ માટે પસંદગીનો મંચ બની રહ્યું છે.
અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિમાં સહભાગી થવા માટે દેશભરમાંથી ગત વર્ષ (૭૭૫ અરજીઓ) કરતા લગભગ બમણી ૧,૨૩૬ કલાકારોની અરજીઓ મળી હતી. ૧.૭૫ લાખથી વધુના રેકોર્ડ ફૂટફોલ્સ સાથે ગત વર્ષે પાંચમિ આવૃત્તિને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં હાલના સ્થળ ઉપરાંત અટિરા કેમ્પસ રૂપે વધુ એક સ્થળે છઠ્ઠી આવૃત્તિને ભવ્ય આયોજન બનાવવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
અભિવ્યક્તિને સમગ્ર ભારતના કલાકારો માટે લોકપ્રિય મંચ
આ અંગે માહિતી આપતા યુ.એન.એમ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું કે “અભિવ્યક્તિને સમગ્ર ભારતના કલાકારો માટે લોકપ્રિય મંચ બનતા નિહાળવુ આનંદદાયક છે. અભિવ્યક્તિ આજે કોઈના દિલ અને આત્માથી નિકળતી વાર્તાને અનોખી રીતે રજુ કરવાનું મહત્વનું મંચ બની ગયુ છે. ત્યારે છઠ્ઠી આવૃત્તિ વિઝ્યુઅલ ઇન્સ્ટોલેશન સ્વરૂપે ટેકનોલોજી અને કલાનું સંગમની સાક્ષી બનશે. જ્યાં ઓગમેન્ટેડ રિયાલિટીનો સર્જનાત્મક ઉપયોગ અમારા દર્શકોને એક અલગ અનુભવ આપશે.”
છઠ્ઠી આવૃત્તિની થીમ “સ્ટોરીઝ ફ્રોમ ધ સોલ” રહેશે. જેમાં ચાર વિખ્યાત આર્ટ ક્યુરેટર્સ દ્વારા ચાર શૈલીઓમાં ક્યુરેટેડ પ્રદર્શન રજુ કરવામાં આવશે. સંગીતમાં કે. સુમંત, રંગમંચમાં ચિરાગ મોદી, વિઝ્યુઅલ આર્ટ્સમાં ધારા દવે વ્યાસ અને નૃત્યમાં માનસી મોદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્ગદર્શકોમાં કલા ક્ષેત્રના જાણિતા નામો રજત ધોળકિયા (સંગીત), સૌમ્યા જોશી (રંગમંચ), ક્રુતિ મહેશ (નૃત્ય) અને ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટસ)નો સમાવેશ થાય છે.
વિવિધ કલા શીખવાની તક
એક પખવાડિયા સુધી ચાલનારા આ કલા પ્રદર્શન દરમિયાન દર્શકોને પ્રફોસશનલ કલાકારોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા સ્વરૂપો અંગે શીખવાની તક પણ મળશે. જે માટે સાર્થક દુબે દ્વારા નૃત્ય માટે અને કમુડી અને સમીર સહસ્રબુધે દ્વારા વિઝ્યુઅલ આર્ટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવશે. સપ્તાહના અંતે વિઝ્યુઅલ આર્ટસ ક્યુરેટોરિયલ ટીમ દ્વારા ક્યુરેટોરિયલ વોક દર્શકોને વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન અને કલાત્મક અભિવ્યક્તિઓની જટિલતાઓની વિગતવાર સમજ આપશે.
યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલથી શરૂ થયેલ અભિવ્યક્તિનું મંચ, વર્ષ ૨૦૧૮ માં પ્રથમ આવૃત્તિથી અત્યાર સુધી ૨૭૫ થી વધુ કલાકારો દ્વારા રજુ કરવામાં આવતી કલા અને સંસ્કૃતિનનું સાક્ષી બન્યું છે. છેલ્લાં છ વર્ષોમાં આ કલા ઉત્સવે અદ્દભૂત પ્રદર્શન અને કલાનો અનુભવ કરનાર લગભગ ત્રણ લાખ દર્શકોનો પ્રેમ અને પ્રસંશા મેળવી છે.
એક મંચ ઉપર અદ્ધિતિય અને ભવ્ય કલા પ્રદર્શન
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે. અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવાનો છે.
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧ મી નવેમ્બરથી ૦૮ મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે.
કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા ૭૦૬૯૧૦૪૪૪૪/૭૦૬૯૧૦૫૫૫૫ નંબર ઉપર ફોન કરી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ મફત છે.
|