અમદાવાદઃ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે. આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવા અને ભારતની શાંતિ અને અખંડિતતાને તોડવા માટે સતત નાપાક કૃત્યો કરતા રહે છે. ત્યારે પુલવામામાં આતંકવાદીઓ દ્વારા સૈન્યના જવાનો પર હુમલો કરવામાં આવ્યો અને 40 જેટલા જાંબાઝ જવાનો શહીદ થયા તેને લઈને આજે આખો દેશ એક બનીને પાકિસ્તાન અને આતંક વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.
ભારતમાં અલગ અલગ જગ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આતંકીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતના અલગ અલગ વિસ્તારોમાં યુવાનો અને જુદાજુદા સંગઠનો દ્વારા આ મામલે પોતાનો રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના અલગઅલગ વિસ્તારોમાં જુદાજુદા સંગઠનો દ્વારા બંધ પાળવામાં આવ્યો. આતંકીઓ તેમજ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં. અમદાવાદના ઘણાં વિસ્તારોમાં દુકાનો બંધ રહી.
વડોદરાના હાથીખાના અનાજ માર્કેટના વેપારીઓ દ્વારા આતંકી હુમલામાં શહીદ જવાનોના માનમાં આજે વેપાર બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ઉપરાંત રાત્રે ખાણીપીણી માર્ટેકના ધારકો પણ આ બંધમાં જોડાશે અને રાત્રિ બજાર ખાતે કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. સૂરતમાં પણ ટેક્સટાઇલ, ડાયમંડ અને કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીએ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવશે. ઉપરાંત સ્કૂલ, કોલેજોમાં પણ વિર્ધાર્થીઓ દ્વારા 2 મિનિટનો મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના ઊંઝા, બહુચરાજીમાં પણ વેપારીઓ તેમજ સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બહુચરાજીમાં ગઇકાલે રાત્રે લોકોએ કેન્ડલ માર્ચ સાથે રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ આજે વહેલી સવારે શક્તિપીઠ બહુચરાજીની તમામ બજારો સ્વયંભૂ બંધ રાખી શોક સાથે ભારે રોષ પ્રકટ કરવામાં આવ્યો છે. સ્થાનિકો ભારે રોષ સાથે હવે યુદ્ધ જ એક વિકલ્પ છે અને હવે યુદ્ધ જ છેડી દેવું જોઈએ તેવું જણાવી રહ્યા છે.
તો અમદાવાદ જમાતે ઉલેમા અને શહેરના મુસ્લિમો એ ભેગા મળી આતંકવાદી હુમલા નો વિરોધ કર્યો હતો. અહીંયા મુસ્લિમ બાળકો અને વડીલોએ એકત્ર થઈને પોસ્ટર અને બેનરો સાથે શહિદોને શ્રદ્ધાંજલી આપી આ પ્રકારના નાપાક કૃત્યને અંજામ આપનારા લોકોને વિરોધ કર્યો હતો.
તો આ સિવાય અરવલ્લી, ઈડર, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વીરમગામ, આણંદ અને જેતપુર સહિત રાજ્યમાં અનેક જગ્યાએ પાકિસ્તાન દ્વારા આક્રોશ પ્રગટ કરીને પાકિસ્તાન દ્વારા સુૂત્રોચ્ચાર કરવાની સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી બંધ પાળવામાં આવ્યો હતો.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)