ગાંધીનગર- સંસદ હોય કે વિધાનસભા શાસક અને વિપક્ષના હોબાળાઓમાં, ટંટાઓમાં કામકાજને અસર પડી હોય તેવા દિવસોની સંખ્યા વધારે હોય છે તેવામાં ગુજરાતે પ્રસ્તાપિત કરેલો આ રેકોર્ડ આગવો ઇતિહાસ સ્થાપી રહ્યો છે. સંસદીય ઇતિહાસની વિરલ ઘટના તરીકે ગુજરાત વિધાનસભાગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ અંકિત થયો છે.
ચૌદમી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠક ૧૨ કલાક ૦૮ મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. રાજ્યની આ તંદુરસ્ત-બેજોડ લોકશાહી પરંપરાને મૂર્તિમંત કરવા બદલ અધ્યક્ષે રાજેન્દ્ર ત્રિવેદીએ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.
ગુજરાતની સંસદીય પ્રણાલિકાનો ઐતિહાસિક દિવસ તરીકે શુક્રવાર, તારીખ-૨૭મી જુલાઈ,૨૦૧૯ની મધ્યરાત્રિએ બાર વાગ્યેને આઠમી મિનિટે આ ઇતિહાસ અંકિત થયો. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું. રાજ્યની આ બેજોડ અને તંદુરસ્ત લોકશાહીની પરંપરાને બિરદાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા મીડિયાના મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં પણ આવો જ પ્રેમભાવ આપ સૌમાં રહે અને લોકશાહી તંત્રને વધુ મજબૂત કરવા આવી ચર્ચાઓ થતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૬ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૦૮ મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨.૦૦ કલાકે શરૂ થઈ હતી જે રાત્રિના ૧૨.૦૮ સુધી ચાલી હતી.
શુક્રવારે અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી શરૂ થયેલું ૧૪મી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લા દિવસની બેઠકનું કામકાજ વિરામનો સમય બાદ કરતાં સતત ૧૨ કલાક, ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવી બિરદાવ્યો હતો.
આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષશ્રીને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગેની જાહેરાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તારીખ ૨૭-૦૭-૨૦૧૯, શનિવારે રાત્રિના ૧૨.૦૯ કલાકે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાવાર જાણકારી આપીને તમામને લોકશાહીના આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબૂત અને દીર્ઘાયુ બનાવવાના અભિનંદન પાઠવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે તારીખ:૦૬-૦૧-૧૯૯૩ અને તારીખ : ૨૭-૦૭-૨૦૧૯ આ બંને ઐતિહાસિક દિવસના સાક્ષી તરીકે કેબિનેટપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અન્ય ધારાસભ્યો રહ્યાં હતાં.
તો અન્ય એક રેકોર્ડ તરીકે ત્રીજા રેકોર્ડની જાહેરાત પણ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્નારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી, કે જીસ્વાન ઉપર શુક્રવારે ૧ લાખ પાંચ હજાર જેટલાં ઇ વિઝીટર નોધાયાં છે
અન્ય રાજ્યોના ૧૨ વિધાનમંડળો પણ ગુજરાતના જીસ્વાન સાથે જોડાયેલા છે. ગુજરાત પ્રથમ રાજ્ય એવું બન્યુ છે જયા એક દિવસમાં આટલા ઇ વિઝીટર ગવર્નમેન્ટ વેબસાઇટ પર નોધાયા હોય. ગુજરાત ઈ વિધાન વેબ પર એક જ દિવસમાં 1.05 લાખ લોકો નોધાયા હતાં. દેશભરમાં ગુજરાત આવું પ્રથમ વિધાનમંડળ બન્યું છે.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, ગુજરાત વિધાનસભાની આજના દિવસે જીસ્વાન દ્વારા સંચાલિત ગુજરાત ઈ વિધાન વેબ પર ૧.૦૫ લાખ વીઝીટર કાઉન્ટર નોધાયા છે. આ ઈ વિધાનમાં દેશભરમાંથી ૪૦ જેટલા વિધાનમંડળો જોડાયેલા છે. આજના એક જ દિવસે આટલા વિઝિટર જોડાનાર ગુજરાત વિધાનમંડળ પ્રથમ મંડળ બન્યું છે.