અમદાવાદઃ નવા વર્ષના આગમન પૂર્વે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવાતા કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે સ્વચ્છતા ઝુંબેશ થીમ છવાઇ ગઇ છે. સ્વચ્છતા ઝુંબેશના મેસેજ સાથે ટેબ્લો જેવા આકારમાં ગાંધીજી અને ચશ્મમાંને મુકવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં ઘેર ઘેરથી લીલો કચરો, સુકો કચરો જુદો પાડી લઇ જતી ગાડીઓને બતાડવામાં આવી છે. જ્યારે ક્યાંક સ્વચ્છતા ઝુંબેશની જાહેરાત અને સાથે સેલ્ફી પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે. શહેરના હેરિટેજ એવા કાંકરિયાની પાળે પણ સુકા-ભીના કચરાને દર્શાવતા કન્ટેનરની વિશાળ પ્રતિકૃતિ મુકવામાં આવી છે. આ સાથે કાંકરિયા કાર્નિવલમાં મનોરંજન કાર્યક્રમો, રક્તદાન શિબિર, બેંકિંગ સેક્ટરની જાણકારી દર્શાવતા સ્ટોલ્સ પણ મુકવામાં આવ્યા છે. આ કાર્નિવલમાં અટલ એક્સપ્રેસ રુપી નાનકડી ટ્રેન શરુ થઇ જતાં મોટી સંખ્યામાં લોકો મનોરંજન મેળવી રહ્યા છે. શિયાળાની પવન સાથેની ઠંડીમાં કેટલાક લોકો બોટિંગની પણ મજા માણી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)