તૈયાર રહેજોઃ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ઠંડી વધશે

અમદાવાદઃ હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે. એક બાજુ ઉત્તર ભારતની કાતિલ ઠંડીની અસર તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન નબળુ પડતા ગુજરાતમાં શીતલહેર ફરી વળશે. કોલ્ડવેવની અસર પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં જોવા મળશે. આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સાથે 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે રાજ્યના 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં ડીસા ખાતે 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 12.3 ડિગ્રીએ પારો રહ્યો હતો. રાહતની વાત એ છે કે, આગામી 48 કલાકમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને કોંકણ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

અમદાવાદમાં દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી ઘટીને 24.8 ડિગ્રી નોંધાયું હતું. આમ, આજે દિવસ દરમિયાન પણ ઠંડીનો સાધારણ ચમકારો અનુભવાયો હતો. જોકે, હવામાન વિભાગના મતે ગત રાત્રિની સરખામણીએ આજે ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં 12.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન રહ્યું હતું. દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરમાં બપોરથી વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું અને દિવસે પણ ઠંડીની તિવ્રતા અનુભવાઇ હતી.

રાજ્યના અન્યત્ર કે જ્યાં 12 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા-નલિયા-ભૂજ-આણંદ-રાજકોટ-સુરેન્દ્રનગર-કંડલા-વડોદરાનો સમાવેશ થાય છે. હાલ કાતિલ ઠંડી અને સૂસવાટાભર્યા પવનથી લોકો પરેશાની અનુભવી રહ્યા છે.