ભાવિ પત્રકારોએ શેરી નાટકથી ઉજાગર કરી નારીની વેદનાને

અમદાવાદ: વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ‘આપણી વાત’ શેરીનાટક ભજવવામાં આવ્યું. આ નાટક પત્રકારત્વમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ શેરીનાટકમાં હાલના સમયમાં મહિલાઓ પર થતાં અત્યાચારો અને મહિલાઓની વિવિધ સમસ્યાઓ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ શેરીનાટકનું દિગ્દર્શન નાટ્યક્ષેત્રે જાણીતા કલાકાર અભિનય બેંકરે કર્યું હતું.

10 દિવસ દરમ્યાન અભ્યાસક્રમના ભાગરૂપે યોજાયેલા થિયેટર વર્કશોપની ફળશ્રુતિરૂપે આ નાટક ભજવવામાં આવ્યું હતું. આ શેરીનાટકમાં પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યા તેમજ ભૂમિકાબેન, ભવ્યાબેન અને વિશ્વેશભાઈએ વિદ્યાર્થીઓ સાથે જોડાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ શેરીનાટક અંગે પત્રકારત્વનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી જણાવે છે કે ‘આપણી વાત’ એ ખરેખર આપણા બધાની વાત છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી પર થતાં અત્યાચારો અને અન્યાય અંગે ઘણી વાત થતી આવે છે અને થાય છે પણ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આમ જ ચાલતું રહેશે?  આથી પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવવા માટે આ સુંદર શેરીનાટક ‘આપણી વાત’ ભજવવામાં આવ્યું.