જૂનાગઢઃ ગિરનાર ક્ષેત્ર સાથે પૂજ્ય મોરારીબાપુનો એક વિશેષ અનુબંધ રહ્યો છે મહાશિવરાત્રિના પર્વમાં તેઓ ગિરનાર વિસ્તારમાં થોડા સમય માટે રહે છે અને નરસિંહ મહેતા એવોર્ડ પણ દર વર્ષે રૂપાયતન પરિસરમાં ગુજરાતી કવિને એનાયત થાય છે, આ નાતો સતત ઉર્ધ્વગતિ અને દત્ત મહારાજના આશીર્વાદ પામતો રહ્યો છે જેના પરિણામરૂપે આસો મહિનાના આ નવરાત્રિ પર્વના દિવસો દરમિયાન મોરારીબાપુની ૮૪૯મી રામકથા ગિરનાર પર્વત પર પ્રખ્યાત અને પૌરાણિક કમંડલ કુંડની જગ્યામાં યોજવામાં આવી રહી છે.
ગિરનારની યાત્રા જેમણે કરી છે તેમને તો ખ્યાલ જ છે કે અંબાજીની ટૂક પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઊતરીને દત્તાત્રેયજીના માર્ગ પર જતાં કમંડલ કુંડ આવે છે, ત્યાં દત્તાત્રેય ભગવાનનો ધુણો છે અને 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. 17 ઓક્ટોબરથી એટલે કે આસો મહિનાના પહેલા નોરતાથી મોરારીબાપુ કમંડલ કુંડમાં શ્રોતા વગરની કથા કરશે.
મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલી વાર કથા
2017માં માનસ નાગર, 2016માં માનસ રુખડ અને એ પહેલાં પણ જૂનાગઢમાં બાપુની કથા તો થઈ ચૂકી છે, પરંતુ કૈલાસ ક્ષેત્રમાં પણ રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલી વાર કથા કરી રહ્યા છે. એક તો ૮૪ સિદ્ધ નવનાથ, 64 જોગણીની ઊર્જાથી ભરપૂર ગિરનાર, આદિગુરુ ભગવાન દત્તાત્રેયની ટૂક તથા અક્ષય તપસ્થલીના આશ્રયમાં નજર સામે અને કમંડલ કુંડ જેવી ચેતનાવાન જગ્યા. એટલે એ કથાનું આભામંડળ તો અલૌકિક હોવાનું.
મોરારીબાપુએ ચિત્રલેખા.કોમ સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્યતંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાશે. વાદ્ય કારો અને થોડા કાર્યકર્તા સિવાય કથામાં કોઈ શ્રોતા નહીં હોય. બાપુએ ઉમેર્યું કે નવરાત્રિમાં ગિરનારમાં અનુષ્ઠાન થાય એનો રાજીપો છે. દત્ત ભગવાન અને માતાજીને પ્રાર્થનાને દેશ-દુનિયામાંથી કોરોના જાય અને ફરી વિશ્વ ધબકતું થાય.
આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી આ કથા
કમંડલ કુંડની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને તેમના પરિવારનો મનોરથ હતો. ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો તથા વિવિધ જગ્યાના મહંતોના આશીર્વાદ જયંતીભાઈએ કથા માટે મેળવ્યા છે અને વન વિભાગથી લઈને સરકારી તંત્રની મંજૂરીની પણ ઔપચારિકતા પૂર્ણ કરી છે. તમામ નિયમોને આધીન રહીને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી બધા આ કથાના શ્રોતા બનશે.
(જ્વલંત છાયા)