દાહોદઃ દાહોદમાં ગત મોડી રાત્રે તસ્કરોએ રાજધાની એક્સપ્રેસ સામે ટ્રેક ઉપર લોખંડનો દરવાજો ફેંકી દીધો હતો, આ જગ્યાએ ટ્રેન આવી અને ટ્રેન લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી, અને દરવાજો અડધો કિ,મી સુધી ઘસડાયો હતો. જો કે આ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ ઘટનાના કારણે 15 મીનિટ સુધી ટ્રેનને રોકવામાં આવી હતી, એન્જિનની ચકાસણી કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, ઘટનાની જાણ થતા જ રેલવેના અધિકારીઓ અને RPF પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દાહોદ શેહરમાં રેલવે ટ્રેક પાસે આવેલી સોસાયટીમાં એક ઘર આગળ પડેલા લોખંડના દરવાજાની ચોરી કરવા ચોર ઘૂસ્યા હતા. તે દરમિયાન ઘર માલિક આવી જતા ચોરો દરવાજો ઉંચકીને ભાગ્યા હતા.
જો કે, ઘર માલિકે પીછો કરતા ચોરો દરવાજા સાથે રેલવે ટ્રેક તરફ ભાગ્યા હતા. તસ્કરો રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે સામેના ભાગેથી મુંબઇ તરફ જતી રાજધાની ટ્રેન આવી જતા ટ્રેન સામે દરવાજો ફેંકી તસ્કરો નાસી છુટ્યા હતા. ટ્રેનના એન્જીનનો આગળનો ભાગ ધડાકા સાથે દરવાજાના બે ટુકડા થઇ ગયા હતા અને એક નાનો ટુકડો એન્જીનના આગળના ભાગે ફસાઇને અડધો કિમી સુધી ઘસડાયો હતો.
ટ્રેન ચાલાકે બી કેબિન પાસે ટ્રેન થંભાવી અને આ સમગ્ર મામલે સ્ટેશન માસ્ટર અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને RPF પોલીસનો કાફલો ઘસી આવ્યો હતો. ત્યારબાદ રેલવેના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી 15 મિનિટ ટ્રેન રોકી એન્જીનની ચકાસણી કર્યા બાદ ટ્રેન રવાના કરાઈ હતી. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવ અંગે દાહોદ આરપીએફે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દરવાજો કોને ત્યાંથી ચોરી થયો હતો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.