હવામાન વિભાગે રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જોકે સુરેન્દ્રનગરમાં હજી પણ 38.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી રહી. વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં તાપમાનમાં થોડો વધુ ઘટાડો થશે, પરંતુ ત્યારબાદ ગરમી ફરી જોર પકડી શકે છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, રાજકોટમાં 38.1 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી, ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.1 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી, ભુજમાં 37.2 ડિગ્રી, નલિયામાં 32.5 ડિગ્રી, પોરબંદરમાં 31.4 ડિગ્રી, ભાવનગરમાં 34.9 ડિગ્રી, મહુવામાં 36.6 ડિગ્રી અને કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન રહ્યું.
હવામાન વિભાગનું કહેવું છે કે માર્ચના અંતિમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી રાજ્યમાં હવામાનની બેવડી અસર જોવા મળશે. અમરેલી અને તાપી જેવા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચમાં ગુજરાતના હવામાનમાં બદલાવની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે, 20 એપ્રિલથી ગરમીમાં વધારો થશે, જ્યારે 26 મે સુધી આંધી-વંટોળની સંભાવના છે. આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે, સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનમાં ઉછાળો જોવા મળશે.
