ગુજરાતમાં આજે સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ બંધાયો છે. રાજ્યમાં ભરમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે પાછલા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં સૌથી વધું 118 મીમી વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સ્માર્ટ સીટીમાં ચોમાસાની પ્રિમોનસુન કામગીરી પર સામાન્ય વરસાદમાં જ પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે.
અમદાવાદમાં પાછલા પાંચ વર્ષમાં લગભગ 82 કરોડથી ઉપરનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતું શહેરોની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ત્યારે કહેવાતી સ્માર્ટ સિટીમાં રખડતાં ઢોર, ભૂવા- ખાડાખૈયાવાળા માર્ગો, ટ્રાફિક, ઠેર ઠેર ગંદકી અને દૂષિત પાણી જેવી ઘણી સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. વિકાસના કામો પાછળ ખર્ચાયેલાં નાણાં પાણીમાં ગયાં છે. ગુજરાતમાં શહેરી વિકાસના નામે રાજ્ય સરકારે 21,696 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. અમદાવાદ જેવા શહેરોમાં આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે. પરંતુ મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને ચૂંટાયેલાં જન પ્રતિનીધીઓની મીલીભગતને લીધે રોડ રસ્તા સહિત વિકાસના કામો હલકી ગુણવત્તાના થઇ રહ્યાં છે જેના લીધે પ્રજાને ભોગવવાનું થયુ છે.
આજે ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઇ છે. ચોમાસાના સામાન્ય વરસાદમાં વિકાસના કામો ધોવાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્માર્ટ સિટીનું નામ અપાયુ છે પણ રખડતાં પશુઓ, અનિયંત્રિત ટ્રાફિક, ખરાબ માર્ગો, ફુટપાથ પરના દબાણો, ગંદકીના ઢગલાં અને દૂષિત પાણીની સમસ્યા જ જાણે શહેરોની જાણે ઓળખ બની ગઇ છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ સ્માર્ટ સીટીમાં ક્યાંકને ક્યાંક સામાન્ય વરસાદથી જનજીવન અસ્થ વ્યસ્ત થઈ જાય છે. ચોમાસામાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદ વરસતાં શહેરોમાં હાલત કફોડી બની જાય છે. સ્વચ્છ અર્બન મિશન હેઠળ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા જાણે વરસાદી પાણીમાં ગયા છે. હાઇકોર્ટે પણ આ મામલે સરકાર-મ્યુનિ.કોર્પોરેશની આકરી ઝાટકણી કાઢી છે. નવાઇની વાત તો એછેકે, લાખો-કરોડોના ખર્ચે નિર્માણ થયેલાં પુલોમાં વરસાદી પાણીથી ગાબડાં પડવા માંડ્યા છે.