અમદાવાદઃ શહેરના ગુલબાઇ ટેકરાને કોરોનાની મહામારી વચ્ચે કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા ગરીબ શ્રમજીવી લોકોની ધીરજ ખૂટી જતાં પતરાંથી બંધ કરાયેલ વિસ્તારમાં તોડફોડ કરી બહાર આવી ગયા હતા.આ સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓ, તહેવાર ઉત્સવોમાં પૂજન કરવામાં આવતાં તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીં વસવાટ કરતા લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ સાથે પર્સ, પટ્ટા, ઘડિયાળ જવી અનેક ચીજવસ્તુઓ વેચી પેટિયું રળે છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી આ ગીચ ઝુંપડપટ્ટીના લોકો લોકડાઉન અને કોરોન્ટાઇનની હાલની પરિસ્થિતિથી કંટાળી ઘરની બહાર આવી ગયા હતા. ગીચ વસતિવાળા આ ગુલબાઇ ટેકરાના લોકોએ વહેલી સવારથી જ ટોળે વળી પતરાંના બેરિકેડ તોડી નાખ્યા હતા. વિસ્તારોમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ગરીબ શ્રમજીવી હોવાના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મેળવી શકતા નથી. કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કરવા તૈયાર થઈ ગયેલા આ વિસ્તારના લોકોને પોલીસ ફોર્સે આવી નિયંત્રણમાં લીધા હતા. બીજી તરફ કોરોના વાયરસ, મહામારી વિષયથી અજાણ આ પ્રજા કહે છે અમે કંઈ થોડા અમેરિકાથી આયા છીએ તો અમને કોરોના થાય!
(પ્રજ્ઞેશ વ્યાસ)