ગાંધીનગરઃ છેવટે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અંગે ફોડ પાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહન વ્યવહારના નવા નિયમોનો અમલ આગામી ૧૬ સપ્ટેમ્બરથી થશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહી પરંતુ નાગરિકોની સલામતી સેફ્ટી માટે છે. રાજ્યમાં આ નિયમોનો સખ્તાઈથી અમલ કરવામાં આવશે.
નવા નિયમ પ્રમાણે, હવે વાહનચાલકે લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં એટલે કે મોબાઈલ ફોનમાં સેવ કરેલા હશે અને સંબંધિત અધિકારી માગે ત્યારે તે બતાવશે તો એ દસ્તાવેજો માન્ય ગણાશે એવી સૂચના પણ આપી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ભારત સરકારે સૂચવેલા દંડની રકમમાં ગુજરાત સરકારે રાહત આપતા દંડની રકમ નક્કી કરી છે એમ પણ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે નક્કી કરેલા ટ્રાફિકના દંડની રકમ કરતાં ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં કલમ 200 હેઠળ માંડવાળની સત્તા હેઠળ રાજ્ય સરકારે આ સુધારો કર્યો છે. આશરે 400 જેટલા સુધારા કરવામાં આવ્યાં છે.
આ ટ્રાફિક ગુના માટે સખ્તાઈથી થશે અમલ
જોખમી ડ્રાઈવ રજિસ્ટ્રેશન વગરનું વાહન વીમા વગરનું વાહન દારુ અને ડ્રગ્ઝનો નશો કરેલી હાલત લાયસન્સ વગરના ગુનામાં કોઈ જ રાહત નહીં અપાય |