જામનગર: ગુજરાતના ગૌરવની યશકલગીમાં હાસ્યરસ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ના નિધનના સમાચાર મળી રહ્યા છે. વસંત પરેશના નિધન સાથે ગુજરાતી હાસ્યયુગના અંતની આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે આ ફાની દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. ખડખડાટ હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા હતા. આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર- મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછુ વાળીને જોયુ નથી. કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા ગુજરાતના મોટા ગજાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખુબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીન ભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, ચીકુ ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મીત્ર બની ગયા હતા. તેઓ ‘બંધુ’ના ઉપનામથી વધારે પ્રચલિત હતા. છેલ્લા થોડા વરસોથી બિમારીના કારણે ધીમે ધીમે કાર્યક્રમોથી અલિપ્ત થયા હતા અને અંતે સૌને રડતા મુકીને આજે તેમણે વિદાય લઈ હાસ્યરસની વસંતને પાનખરમાં ફેરવી નાખી છે!