વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 64 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર ઘટ્યું હોય એવુ લાગી રહ્યું છે. ત્યારે આજે સાવરે મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિઝનનો એવરેજ 68.52 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 82.67 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં કુલ 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.32 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.40 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં માતર, ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. છોટાઉદેપુર ખાતે ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. લગભગ 20 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેથી કામ ધંધા પરથી ઘરે જતા લોકો અટવાયા હતા.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આવતી કાલથી વરસાદનું જોર ફરી વધવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે નવમી ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.