અમદાવાદઃ શહેરની એકદમ નજીક થોળ અભ્યારણ્ય આવેલું છે. હાલ સમર વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશનમાં પ્રવાસીઓ સૂકાભઠ્ઠ તળાવને જોઈને પાછા ફરે છે. અહીં ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં થોળ તળાવમાં વિદેશી પક્ષીઓનાં ધાડેધાડાં ઊતરી આવે છે. ત્યારે આ અભ્યારણ્યની સુંદરતા જોવા પ્રવાસીઓનો સારોએવો ધસારો થાય છે, પણ સદા ભરચક થોળ અભ્યારણ્ય હાલ કોરુંધાકોર ભાસે છે. આ વખતે ઉનાળાની આકરી ગરમીથી તળાવ સુકાઈ જવાને આર હોવાથી પક્ષઓ નહીંવત્ જોવા મળતા પ્રવાસીઓને આ તળાવ સાવ નીરસ લાગે છે.
શહેરથી નજીક પક્ષીઓનું અભ્યારણ્ય થોળનું તળાવ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે સુકાઈ રહ્યું છે. અમદાવાદ, કડી અને મહેસાણા ની વચ્ચે આવેલું માનવ સર્જિત વિશાળ તળાવ વન અને સિંચાઈ- બંને ખાતાને ઉપયોગી છે.
રાજ્યમાં અને અમદાવાદમાં ચોમાસું સારું જાય ત્યારે છલકાતું થોળનું તળાવ નયનરમ્ય લાગે છે. ચોમાસામાં અને શિયાળાની ઋતુ દરમિયાન પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી-જુદી તાલીમ શિબિરો અને પ્રવૃત્તિ ઓ પણ આ રેન્જમાં કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)