વાવાઝોડાની આગાહીને કારણે હોર્ડિંગ્સનો ભાર કરાયો હળવો

ચોમાસુ નિયમિત શરૂ થાય એ પૂર્વે ગુજરાત રાજ્ય ના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર તંત્ર સક્રિય થઇ ગયું છે. અમદાવાદ શહેરમાં પણ સોમવારની સવારથી જ સામાન્ય કરતાં વધુ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગ ની આગાહીઓ અને સ્થિતિ ને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં લાગેલા જાહેરાતોના હોર્ડિંગ્સનો ભાર હળવો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

શહેરની જાણિતી હોર્ડિંગ કંપનીના સંચાલક ચિત્રલેખા. કોમને કહે છે..શહેરમાં ઓવરબ્રિજ, અંડર બ્રિજ, જાહેર ખાનગી ઈમારતો પર અસંખ્ય હોર્ડિંગ્સ લાગેલા છે. સાવચેતીના ભાગરૂપે અમે અમારી કંપનીના બોર્ડ, હોર્ડિંગ્સનો ભાર હળવો કરી દીધો છે. મોટા ભાગે બધી કંપનીઓએ સ્ટ્રકચર મજબુત બનાવવા જોઈએ. વાવાઝોડાની આગાહી સમયે હોર્ડિંગ્સ બોર્ડના પતરાં અને વીનાઈલ, ફ્લેક્સ હટાવી લેવા જોઈએ, જેથી અકસ્માતના સર્જાય.

હાલમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિને કારણે કચ્છમાં શાળા-કોલેજમાં 16 જૂન સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. અરબ સાગર ના કાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત નો દરિયો તોફાની બન્યો છે. જેના કારણે સરકારી અને ખાનગી સંસ્થાઓ જાનમાલ નું નુકસાન ના થાય એવા તમામ પ્રયત્નો કરી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)