સરકારે ધોરણ 9-12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર કર્યો

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ સ્કૂલોના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. રાજ્ય સરકારે ધોરણ નવથી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે પરીક્ષા સરળતાથી આપી શકે અને કારકિર્દી ઘડી શકે એ માટે કેટલાક નિર્ણયો શિક્ષણ વિભાગે કર્યા છે.  હવે પરીક્ષામાં 30 ટકા MCQ સવાલો પૂછવામાં આવશે, જ્યારે 70 ટકા સવાલો વર્ણનાત્મક પૂછવામાં આવશે. રાજ્યના ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતા કુલ 29,75,285 જેટલા વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયથી લાભ મળશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે એ માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને JEE અને NEETની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના રોગચાળાની સ્થિતિને લઈને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે.

છેલ્લાં બે વરસથી કોરોના રોગચાળાને પગલે સૌથી વધારે અસર શિક્ષણ પર પડી રહી છે. જેને કારણે વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ન રહે એ માટે શિક્ષણ વિભાગે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ વચ્ચે રાજ્યની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય તો રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ પણ હવે હોંશે-હોંશ અભ્યાસ કરવામાં મશગૂલ બન્યા છે.