સુરતઃ કોરોનાના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં ભાજપ-કોગ્રેસ વચ્ચે સ્પર્ધા લાગી છે. કોરોના કાળમાં સરકારે સારામાઠાપ્રસંગે સામાન્ય જનતા 100થી વધુ વ્યક્તિને બોલાવવા પર પાબંધી મૂકી છે અને એ માટે ગાઇડલાઇન્સ બનાવી છે પણ સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર નીલેશ કુંભાણીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં 200થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં લોકો માસ્ક વિના જ જમવા પહોંચ્યા હતા.
રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વારાફરથી નિયમોનું ભંગ કરી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસ નેતાઓ કોરોનાના નિયમોને નેવે મૂકીને ભાન ભૂલીને કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોકના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર નીલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિત અનેક લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતા દેખાયા હતા.
આ ભોજન સમારંભ અંગે પૂર્વ કાઉન્સિલર નીલેશ કુંભાણીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે સુરતમાં બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમે ગાઇડલાઇન્સ પ્રમાણે 100 લોકો જમી લે, એ પછી 100 લોકોને જમવાનું આયોજન કર્યું હતું. ભાજપની જેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા નહોતા છતાં અમારા પણ દબાણ થઈ રહ્યું છે.
આ બ્રહ્મ ભોજનનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરતાં અને લાઇનમાં ઊભા રહેલા દેખાતા હતા. તમામ લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. આ સાથે પીરસનારા અને ખુદ નીલેશ કુંભાણી પણ લાડવા પીરસતી વખતે માસ્ક વગર જોવા મળ્યા હતા.