વડોદરાઃ ગઈકાલે કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના જવાન આરીફ પઠાણ મોહંમદ સફી શહીદ થયો હતો. વડોદરાના શહીદ મહોમ્મદ આરીફ પઠાણના પાર્થિવ શરીરને આજે વડોદરા લાવવામાં આવશે. આરીફ શહિદ થયાના સમાચાર મળતા જ પરિવાર સહિત સમગ્ર જગ્યાએ શોક ફેલાઈ ગયો છે. તો સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ્સ પર અનેક લોકો આ જવાનની વિરતાને બિરદાવી રહ્યા છે અને તેને શ્રદ્ધાંજલી અર્પિત કરી રહ્યા છે.
આરિફ એક અડગ અને કુશળ આર્મીમેન હતો. જમ્મુ-કાશ્મીર રેજિમેન્ટ દ્વારા આરીફને બેસ્ટ શુટરનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. આરીપ પઠાણ J&K રાઈફલ 18 બટાલિયનમાં કાર્યરત હતા, અને ગ્રેજ્યુએશન કરીને આર્મી જોઈન કરી હતી. ત્યારે આજે આરીફના પાર્થિવ શરીરને વડોદરા લવાશે અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનની દફનવિધિ કરવામાં આવશે.
વડોદરાના નવાયાર્ડના રોશન નગર વિસ્તારમાં રહેતો આરીફ પઠાણ મોહંમદ સફી નામનો યુવક છેલ્લાં ત્રણ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યો હતો. તેનું પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં હતું. તે કાશ્મીરના ઉધમપુર જિલ્લાના અખ્નુર ચેક પોસ્ટ પર તૈનાત હતો. ત્યારે સોમવારે સવારે તે પોતાની જગ્યા પર ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે એલઓસી પારથી ફાયરિંગ થયું હતું. આરીફના મોતની જાણ થતા જ વડોદરામાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
કાશ્મીરના રાજૌરીના સુંદરબની વિસ્તારમાં એલઓસીથી નજીક કેરી સેક્ટરમાં સોમવારે સવારે નાપાક પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સૈન્યના જવાનોએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પહેલા તો નાપાક પાકિસ્તાન દ્વારા હળવા હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો પરંતુ બાદ તે લોકોએ રહેણાંક વિસ્તારો પર પણ ગોળીઓ વરસાવવાનું શરુ કરી દીધું હતું. હુમલા બાદ સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગોળીબારીનો અવાજ સાંભળીને બીજા ગામના લોકો પણ ગભરાઈ ગયા હતા. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, તો બે જવાન ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.