સુરત : ત્રણ ખંડના 25 દેશોના ઐતિહાસિક પ્રવાસે નીકળેલી સુરતની બાઈકિંગ કવીન્સની એક સાથી જીનલ શાહનાં પાસપોર્ટ સાથેના અગત્યના તમામ દસ્તાવેજો સાથેની બેગ રશિયામાં ચોરાઈ ગઈ હતી. દસ્તાવેજો ગૂમ થયા પછી ત્યાંની પોલીસ અને ભારતીય એલચી કચેરીને એ વિશે જાણ કરવામાં આવી હતી. સાથોસાથ જીનલ શાહનાં બીજા પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ભારતીય એલચી કચેરીએ તુરંત શરૂ કરી દીધી હતી.
બાઈકિંગ ક્વીન્સ તરફથી મળેલા નિવેદન અનુસાર, નવા પાસપોર્ટની રાહ જોઈને જીનલ શાહ એમના પરિવારની સંમત્તિથી મોસ્કોમાં એક પારિવારિક મિત્રને ઘરે રોકાયાં હતાં. રશિયાની સરહદે રવાના વખતે જયારે ખ્યાલ આવ્યો કે જીનલ શાહનાં પાસપોર્ટ સહિતના દસ્તાવેજો ચોરાઈ ગયા છે ત્યારે રાત્રે આખી ટીમે એની શોધખોળ આદરી હતી. તેમજ સંબધિત તંત્રને જાણ પણ કરવામાં આવી હતી.
રશિયાના કાયદા અનુસાર અને ભારતીય એલચી કચેરીના સૂચન મુજબ જીનલ શાહને મોસ્કો મોકલવામાં આવી હતી. એ માટે એલચી કચેરીએ એક વાહનની સુવિધા આપી હતી સાથે જ બાઈકિંગ કવીન્સની બેક-અપ ટીમનાં સભ્ય હની દેસાઈ મોસ્કો સુધી સાથે ગયાં હતાં અને બીજાં એમ્બેસીમાં પણ સાથે હતાં. મોસ્કોમાં ચાલતી આ પ્રક્રિયા દરમિયાન બાઈકિંગ કવીન્સ રશિયાની સરહદ પર બે દિવસ માટે પોતાની યાત્રા થંભાવીને રોકાઈ હતી. સાથે જ એમના રશિયાના વિઝા પણ પૂરા થતા હોઈ બાકીનાં સભ્યોએ આગળ વધવું આવશ્યક હતું. જીનલ શાહની પૂરી સંમત્તિ સાથે બાઈકિંગ કવીન્સની અન્ય બે સભ્યો – ડો. સારિકા મહેતા અને ઋતાલી પટેલે યાત્રા આગળ વધારી હતી અને જીનલ શાહ મોસ્કોમાં રોકાયાં હતાં.
બાઈકિંગ કવીન્સની આગળ વધતી યાત્રા દરમિયાન જીનલ શાહના પાસોપોર્ટ અને વિઝાની તમામ પ્રક્રિયામાં ડો.સારિકા મહેતા સંપર્ક અને સંકલનમાં હતા. રશિયામાં આવેલી ભારતીય એમ્બેસીએ એમને શક્ય એટલી તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપ્યો હતો. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જીનલ શાહે પરત ભારત આવવું પડી રહ્યું છે, એક સાથીને યાત્રાની અધવચ્ચે જવાનું અમને બહુ દુઃખ છે. અમારાં પ્રયત્નો હજી પણ ચાલુ જ છે કે અમારી યાત્રાના અંતિમ તબક્કે જીનલ શાહ અમારી સાથે જોડાઈ જાય.
આ અમારા સૌ માટે બહુ પીડાદાયક છે કે અમે અમારી યાત્રામાં એક સાથી વિના આગળ વધી રહ્યા છીએ. કાયદો અને નિયમોનું પાલન કરવું અમારા માટે જરૂરી છે. રશિયામાં બનેલી કમનસીબ ઘટના અને વિઝા-પાસપોર્ટના નિયમોના કારણે આ બન્યું છે. અમે રશિયન એમ્બેસી સાથે રહીને શક્ય તમામ પ્રયત્નો કર્યા છે એટલે જીનલને નવો પાસપોર્ટ મળ્યો છે પણ યુરોપના દેશોના વિઝા ન હોવાથી એ અમારી સાથે જોડાઈ નથી શકી પણ એ અંતિમ તબક્કામાં અમારી સાથે જોડાશે એવી અમને આશા છે.