વિદ્યાનગરઃ GEMS ગણપત યુનિવર્સિટી અને ગણપત વિદ્યાનગરના ભૂતપૂર્વ MBA વિદ્યાર્થીઓના સંગઠને 20મી જનરલ મીટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું, જેનું આયોજન યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા 10 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ વિવિધ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરીથી કનેક્ટ કરવા, તેમના કોલેજ દિવસોની યાદ તાજી કરવા અને વર્તમાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સહયોગ માટેની તકોની ચર્ચા કરવાનો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સિંગાપોર અને મેડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી પણ આવ્યા હતા.
આ ઇવેન્ટની શરૂઆત નેટવર્કિંગ સાથે થઈ હતી જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જૂના મિત્રો સાથે ફરીથી જોડાવાની અને નવા જોડાણો બનાવવાની તક મળી હતી. કોલેજમાંથી સ્નાતક થયા પછીની તેમની સફળતાના વિચારો અને અનુભવો શેર કરવા માટે કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સ્વાગત પ્રવચન ગણપત યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો. હિરેન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની એક્ઝિક્યુટિવ બોડીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મિત્તલ દત્તાણી દ્વારા એજીએમનો એજન્ડા, અગાઉના ઓડિટેડ રિપોર્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ પરના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશિષ્ટ પુરસ્કાર 2024 નીલેશકુમાર પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરી રહ્યા છે, જેઓ 2002-2004ની બેચના વિદ્યાર્થી છે અને રાજેન એન. પટેલ કે જેઓ ડિટવિશ ગ્લોબલ અને ઇન્ફોડાર્ટ ટેક્નોલોજીસ, સિંગાપોરના ઇન્ચાર્જ છે. હાલમાં 480 કર્મચારીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 1999 – 2001ની MBA બેચના વિદ્યાર્થી છે. આઉટગોઇંગ ગવર્નિંગ બોડીનું સન્માન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે નવી વિદ્યાર્થી કારોબારી મંડળની ચૂંટણી કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી કારોબારી સંચાલક મંડળમાં મિત્તલ દત્તાણી પ્રમુખ, હર્ષદ પટેલ, ઉપપ્રમુખ, અમૃતા મશર, સેક્રેટરી અને પ્રતીક પટેલ, ખજાનચી તરીકે વરણી કરવામા આવી હતી.
આ કાર્યક્રમને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ (દાદા) અને મંજુલાબહેન (દાદી), બીઓજી મેમ્બર બેચરભાઈ પટેલ, પ્રો ચાન્સેલર ડો. મહેન્દ્ર શર્મા, અને યુનિ.ના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ડેનિયલે હાજરી આપી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ચેરપર્સન ડો. પ્રિયંકા પાઠક દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટની આભારવિધિ કરી હતી. ડો. નીરવ જોષી અને પ્રો. જયદીપ દેસાઈ દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સફળતાપૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું.