અમદાવાદઃ એકતરફ એસટીનાં કર્મચારીઓએ સાતમા પગાર પંચની માંગ સાથે હડતાળ પર છે ત્યારે આજે સરકારી પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરીને વિધાનસભાનો ઘેરાવો કરશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતરશે તેમજ શિક્ષકો આજે એક દિવસની રજા રાખી છે.
રાજ્યના શિક્ષકોએ ગાંધીનગરમાં ચ રોડને બ્લોક કર્યો હતો. શિક્ષકો અને શિક્ષિકાઓ સરકારના છાજીયા લીધા હતા. ત્યારે ગાંધીનગરમાં શિક્ષકોના વિધાનસભા ઘેરાવના આયોજનના કારણે ચારેબાજુ રસ્તાઓને સીલ કરવામાં આવ્યા હતા. ત્યારે શિક્ષકોના વિરોધને પગલે શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં 1000 શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની રાજ્યભરમાંથી અટકાયત કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની અટકાયત શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રથી આવેલા 1000 જેટલા શિક્ષકોની અટકાયત કરાઈ છે.
1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે. તેમજ ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવાના છે. ત્યારે શિક્ષકોને ગાંધીનગરમાં આ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વિરોધને પગલે મોટી સંખ્યામાં વિધાનસભા પાસે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. ત્યારે પોલીસે અનેક શિક્ષકોની રસ્તામાં જ અટકાયત કરી લીધી છે. સૌરાષ્ટ્રથી આવેલા 500થી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ છે. આ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા આવ્યા હતા. અટકાયત કરીને શિક્ષકોને કરાઈ એકેડમીમાં રાખવામાં આવ્યા છે.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કોઈ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાં જો પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર આવવાનો પ્રયત્ન કરે અને મોટી સંખ્યામાં શિક્ષકો આવે તો તેમને અટકાયતના પોલીસે આદેશ આપ્યા છે. જે અંતર્ગત વહેલી સવારથી જ ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત શરૂ થઈ. પોલીસ દ્વારા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની યાદી કે જેઓ ગાંધીનગર આવી શકે તેવી સંભાવના છે તેમની જાહેર કરી છે. આવા શિક્ષક નેતાઓને રસ્તામાંથી જ અટકાયત કરવાના પગલા ભરવા શરુ કર્યા છે.